પુંછ, નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિ. સ.) આતંકવાદી હુમલામાં સેનાના પાંચ જવાનોના શહીદ અને અન્ય બે લોકોને ગંભીર ઈજા થવાના એક દિવસ પછી, શુક્રવારે સવારે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લાના સમગ્ર જંગલ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. એક અધિકારીએ જણાવ્યું કે, રાતભર ચાલેલા ઓપરેશન બાદ સવારે મોટા પાયે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. હવાઈ દેખરેખ પણ કરવામાં આવી રહી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, ગુરુવારે બપોરે સેનાના બે વાહનો પર હુમલો કરનારા આતંકવાદીઓને શોધવા માટે ઓપરેશનમાં સ્નિફર ડોગ્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં વધારાના જવાનોને સામેલ કરવામાં આવ્યા છે. ડેરા કી ગલી (ડીકેજી) રોડ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સેના અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ જમીની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
નોંધનીય છે કે, ગુરુવારે બપોરે 3.45 કલાકે સુરનકોટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ડેરા કી ગલી જંગલમાં ટોપા પીર વિસ્તાર પાસે એક આંધળા વળાંક પર સેનાના બે વાહનો પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ હુમલામાં નાયક બિરેન્દ્ર સિંહ, નાયક ડ્રાઈવર કરણ કુમાર, રાઈફલમેન ચંદન કુમાર અને રાઈફલમેન ગૌતમ કુમાર સહિત પાંચ જવાન શહીદ થયા હતા. પાંચમા સૈનિકની ઓળખ થઈ નથી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બે જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. માનવામાં આવે છે કે, આતંકીઓની સંખ્યા ત્રણ-ચાર હતી. અધિકારીઓનું કહેવું છે કે, હુમલા બાદ આતંકવાદીઓએ ઓછામાં ઓછા બે સૈનિકોના મૃતદેહને વિકૃત કરી નાખ્યા હતા અને તેની પાસેથી કેટલાકના હથિયારો પણ છીનવી લીધા હતા.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન / મુકુંદ / ડો. હિતેશ /માધવી
