નવી દિલ્હી, 02 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે,” કોઈપણ રાષ્ટ્રને દિશા આપવામાં યુનિવર્સિટીઓ મહત્વની ભૂમિકા ભજવે છે.”
મોદીએ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં, ભારતીદાસન યુનિવર્સિટીના 38માં દીક્ષાંત સમારોહમાં કહ્યું કે,” અહીં દીક્ષાંત સમારોહ માટે આવવું મારા માટે ખાસ છે. 2024 માં આ મારી પ્રથમ સાર્વજનિક વાતચીત છે. હું તમિલનાડુના સુંદર રાજ્યમાં અને તેના યુવાનો વચ્ચે રહીને ખુશ છું. હું પહેલો એવો વડાપ્રધાન છું કે, જેમને અહીં દીક્ષાંત સમારોહ માટે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે અહીં સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને હું અભિનંદન આપું છું.”
તેમણે કહ્યું કે,” આપણો દેશ અને સંસ્કૃતિ હંમેશા જ્ઞાનની આસપાસ કેન્દ્રિત રહી છે. નાલંદા અને તક્ષશિલા જેવી, કેટલીક પ્રાચીન યુનિવર્સિટીઓ પ્રખ્યાત છે. તેવી જ રીતે, કાંચીપુરમ જેવા સ્થળોનો પણ મહાન યુનિવર્સિટીઓ હોવાનો ઉલ્લેખ છે. ગંગઈકોંડા ચોલાપુરમ અને મદુરાઈ પણ શિક્ષણના મહાન કેન્દ્રો હતા.”
વડાપ્રધાન મોદીએ કહ્યું કે,” તમે જે વિજ્ઞાન શીખો છો તે તમારા ગામના ખેડૂતને મદદ કરી શકે છે. તમે જે ટેક્નોલોજી શીખો છો તે જટિલ સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી શકે છે. તમે જે વ્યવસાય સંચાલન શીખો છો, તે વ્યવસાય ચલાવવામાં અને અન્ય લોકો માટે આવક વૃદ્ધિની ખાતરી કરવામાં મદદ કરી શકે છે. તમે જે અર્થશાસ્ત્ર શીખો છો, તે ગરીબી ઘટાડવામાં મદદ કરી શકે છે. એક રીતે જોઈએ તો અહીંના દરેક સ્નાતક, 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપી શકે છે.”
તેમણે કહ્યું કે,” છેલ્લા 10 વર્ષમાં ભારતે મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થાઓ સાથે અનેક વેપાર કરારો પણ કર્યા છે. આ સોદા અમારા માલ અને સેવાઓ માટે નવા બજારો ખોલશે. તેઓ આપણા યુવાનો માટે અસંખ્ય નવી તકો પણ ઉભી કરશે. જી-20 જેવી સંસ્થાઓને મજબૂત કરવી, આબોહવા પરિવર્તન સામે લડવું, વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં મોટી ભૂમિકા ભજવવી, દરેક વૈશ્વિક ઉકેલના ભાગરૂપે ભારતનું સ્વાગત કરવામાં આવે છે. સ્થાનિક અને વૈશ્વિક પરિબળોને કારણે ભારતમાં યુવાન બનવાનો આ શ્રેષ્ઠ સમય ઘણી રીતે છે.”
પ્રધાનમંત્રીએ યુવાનોને કહ્યું કે,” તમે એવા સમયે દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છો જ્યારે દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિ, નવી આશા સાથે તમારી તરફ જોઈ રહ્યો છે. યુવાની એટલે ઉર્જા. આનો અર્થ છે, ગતિ, કૌશલ્ય અને સ્કેલ સાથે કામ કરવાની ક્ષમતા.” તેમણે કહ્યું કે,” છેલ્લા 10 વર્ષમાં એરપોર્ટની સંખ્યા 74 થી બમણી થઈને લગભગ 150 થઈ ગઈ છે. તમિલનાડુમાં વાઇબ્રન્ટ દરિયાકિનારો છે. તેથી તમને જાણીને આનંદ થશે કે, ભારતના મુખ્ય બંદરોની કુલ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા 2014 થી બમણી થઈ ગઈ છે. અમારા સંશોધકોએ પેટન્ટની સંખ્યા 2014 માં આશરે 4,000 થી વધારીને હવે, લગભગ 50,000 કરી છે. આપણા માનવશાસ્ત્રના વિદ્વાનો ભારતની વાર્તાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રહ્યા છે. જેટલો પહેલા ક્યારેય ન હતો. આપણા સંગીતકારો અને કલાકારો સતત આપણા દેશમાં, આંતરરાષ્ટ્રીય પુરસ્કારો લાવી રહ્યા છે.”
આ કાર્યક્રમમાં તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ, અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પણ હાજર હતા.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / પવન / માધવી
