નવી દિલ્હી, 28 ડિસેમ્બર (હિ. સ.) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ઉદ્દેશ્ય જન કલ્યાણ અને ભારતના લોકોની પ્રગતિ છે. અમે આ દિશામાં સતત કામ કરી રહ્યા છીએ.
ગુરુવારે કોંગ્રેસ મુખ્યાલયમાં પાર્ટીના 139માં સ્થાપના દિવસના અવસરે, ધ્વજ ફરકાવ્યા બાદ ખડગેએ કહ્યું કે, અમે સંસદીય લોકશાહી પર આધારિત ભારતમાં વિશ્વાસ કરીએ છીએ જેમાં સમાનતા હોય, કોઈપણ ભેદભાવ વિના તમામ માટે તકો હોય અને બંધારણમાં સમાવિષ્ટ રાજકીય, આર્થિક અને સામાજિક અધિકારોનું પાલન થતું હોય.
ખડગેએ કહ્યું કે, અમને ગર્વ છે કે છેલ્લા 138 વર્ષથી અમે આવા ભારતના નિર્માણ માટે પૂરી ઈમાનદારી સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે હું દરેક ભારતીયને હાર્દિક શુભેચ્છા પાઠવું છું.
ઉલ્લેખનીય છે કે, આજે કોંગ્રેસ પોતાનો સ્થાપના દિવસ મનાવી રહી છે. આ પ્રસંગે પાર્ટી હેડક્વાર્ટર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે સાંસદ રાહુલ ગાંધી, પાર્ટીના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, સાંસદ રાજીવ શુક્લા, પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ અને પાર્ટીના અન્ય નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. આજે કોંગ્રેસ પણ નાગપુરમાં એક મોટી રેલીનું આયોજન કરવા જઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / આશુતોષ / સંજીવ / ડો. હિતેશ /માધવી
