કોટ્ટાયમ, નવી દિલ્હી, 9 ડિસેમ્બર (હિ.સ): ભારતીય ટપાલ વિભાગે મંગળવારે કેરળના કોટ્ટાયમમાં સીએમએસ કોલેજ ખાતે રાજ્યનું પ્રથમ જેન-જી પોસ્ટ ઓફિસ એક્સટેન્શન કાઉન્ટર ખોલ્યું. નવી પેઢીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલ આ આધુનિક પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કેરળ સેન્ટ્રલ રિજનના પોસ્ટલ સર્વિસીસના ડિરેક્ટર એન.આર. ગિરી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર ડિઝાઇન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઈન્ડિયા પોસ્ટના સહયોગથી વિકસાવવામાં આવી હતી.
કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નવી પોસ્ટ ઓફિસ વિદ્યાર્થીઓ માટે આરામદાયક અને આધુનિક વાતાવરણ પૂરું પાડશે, જેનાથી તેઓ અભ્યાસ, કાર્ય અને પોસ્ટલ સેવાઓને એક જ જગ્યાએ સરળતાથી ઍક્સેસ કરી શકશે. યુવાનોની પસંદગીઓને અનુરૂપ સમગ્ર જગ્યાને પ્રકૃતિ-થીમ આધારિત અને સર્જનાત્મક દેખાવ આપવામાં આવ્યો છે. પિકનિક-શૈલીની બેઠક, વર્ટિકલ ગાર્ડન અને રિસાયકલ ટાયરમાંથી બનાવેલી ખુરશીઓ સ્થાપિત કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓની સુવિધા માટે કાઉન્ટર પાસે લેપટોપ અને મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. પુસ્તકો અને બોર્ડ ગેમ્સથી ભરપૂર એક અલગ વાંચન અને મનોરંજન ખૂણા ઉપલબ્ધ છે. બધી પોસ્ટલ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે, બહુહેતુક કાઉન્ટર, બુકિંગ કાઉન્ટર, પેકેજિંગ સામગ્રી અને માય સ્ટેમ્પ પ્રિન્ટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
આ પોસ્ટ ઓફિસની દિવાલો વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ દ્વારા બનાવેલી કલાકૃતિઓથી શણગારવામાં આવી છે. આ ચિત્રો ઇન્ડિયા પોસ્ટના વારસા, કોટ્ટાયમની સાંસ્કૃતિક ઓળખ અને પ્રકૃતિને લગતા વિષયોને પ્રતિબિંબિત કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
