ગાઝિયાબાદ, નવી દિલ્હી, 11 ડિસેમ્બર (હિ. સ.) રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં વાયુસેનાના હિંડન એર બેઝની બાઉન્ડ્રી વોલ પાસે ટનલ ખોદીને સુરક્ષા વ્યવસ્થાનો ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ અને એરબેઝ પ્રશાસનને આ સમાચાર મળ્યા, ત્યારે ખળભળાટ મચી ગયો હતો. પોલીસે રવિવારે મોડી રાત્રે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી તો જાણવા મળ્યું કે, ત્યાં 4 ફૂટ ઊંડી સુરંગ ખોદવામાં આવી હતી. આ સ્થળ થર્મલ સ્કેનર અને સીસીટીવી કેમેરાની શ્રેણીની બહાર છે. કેસ નોંધવામાં આવ્યો છે અને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.
હિંડન એર બેઝના માસ્ટર વોરંટ ઓફિસર સતીશ કુમારની ફરિયાદ પર, ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જે સુરક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ જ સંવેદનશીલ છે. ટ્રાન્સ હિંડોન ક્ષેત્રના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શુભમ પટેલે સોમવારે જણાવ્યું હતું કે, આ ખાડો રવિવારે સાંજે ઇરશાદ કોલોની પાસે જોવા મળ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને કાર્યવાહીની માંગણી કરી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસએ જણાવ્યું કે, જ્યારે સ્થળની તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં 4 ફૂટ ઊંડી સુરંગ મળી આવી હતી. એરબેઝની સીસી બાઉન્ડ્રી વોલ અકબંધ છે અને તેમાં કોઈ છેડછાડ કરવામાં આવી નથી. બાઉન્ડ્રી વોલ પાસે સુરંગ કોણે અને કયા હેતુથી ખોદી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે એરફોર્સ એર બેઝના સુરક્ષા અધિકારીઓ સાથે સ્થળનું નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ હિંડન એર બેઝના સહાયક સુરક્ષા અધિકારીની ફરિયાદ પર મોડી રાત્રે કેસ નોંધ્યો. કેસ નોંધતી વખતે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / ફરમાન અલી / મોહિત / માધવી
