
નવી દિલ્હી, 03 જાન્યુઆરી (હિ.સ.) અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ પર, આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેંચ ચુકાદો સંભળાવશે. કોર્ટે 24 નવેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
સુનાવણી દરમિયાન અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે માંગ કરી હતી કે, અદાણીના શેરમાં થયેલા રોકાણની તપાસ કરવામાં આવે. કોને ફાયદો થયો તે પણ જોવાનું બાકી છે, જ્યારે સેબીએ કહ્યું હતું કે, તેણે દરેક પાસાઓની તપાસ કરી છે. સેબી વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, હવે તેઓ તપાસ માટે સમય વધારવાની માંગ કરશે નહીં.
તેમણે કહ્યું હતું કે, 24માંથી 22 કેસમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે. બે કેસ સિવાયના તમામ કેસમાં તપાસ પૂર્ણ કરવામાં આવી છે. હવે નિર્ણય લેવાનો છે, જોકે કેટલીક માહિતી આવવાની બાકી છે. આ દરમિયાન ચીફ જસ્ટિસે મહેતાને પૂછ્યું હતું કે, રોકાણકારોને થયેલા નુકસાન અંગે શું કરવામાં આવી રહ્યું છે અને સેબી રોકાણકારોના હિતોની સુરક્ષા માટે શું કરી રહી છે. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, જો કોઈ શોટ સેલિંગ થયું હશે તો નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર/સંજય/મુકુંદ / ડો. હિતેશ
