વોશિંગ્ટન, નવી દિલ્હી, 1 જાન્યુઆરી (હિ.સ.). સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ) એ રશિયાના દાવાને નકારી કાઢ્યો છે કે, યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાનને નિશાન બનાવીને ઘાતક ડ્રોન હુમલો કર્યો હતો.
અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે, ક્રેમલિનના દાવા બાદ સીઆઈએએ સત્ય નક્કી કરવા માટે યુક્રેન ડ્રોન હુમલાનું મૂલ્યાંકન કર્યું હતું. તેમાં જાણવા મળ્યું છે કે, યુક્રેને ઉત્તરી યુક્રેનમાં તાજેતરમાં થયેલા ડ્રોન હુમલામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા ઉપયોગમાં લેવાતા નિવાસસ્થાનને નિશાન બનાવ્યું ન હતું. સીઆઈએના તારણો સોમવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ફોન કોલ દરમિયાન રશિયન નેતાના આરોપોને ખોટા સાબિત કરે છે.
સીએનએનના અહેવાલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું હતું કે, સીઆઈએના ડિરેક્ટર જોન રેટક્લિફે બુધવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ મૂલ્યાંકન અંગે માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, રશિયાએ જાહેરમાં આરોપ લગાવ્યો હતો કે યુક્રેને સોમવારે પુતિનના નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પે ત્યારબાદ પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ યુક્રેનની કાર્યવાહીથી પરેશાન હતા. જો કે, યુક્રેને આવા કોઈપણ હુમલાનો ઇનકાર કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રેટક્લિફે ટ્રમ્પને કહ્યું હતું કે સીઆઈએ રશિયન દાવા અંગે અચોક્કસ છે. બુધવારે, ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ન્યૂ યોર્ક પોસ્ટના સંપાદકીય લેખની લિંક પોસ્ટ કરી, જેનું શીર્ષક હતું, પુતિન ના તેમના નિવાસસ્થાન પર ‘હુમલો’ કરવાનો દેખાવ દર્શાવે છે કે, રશિયા પોતે શાંતિમાં અવરોધ બની રહ્યું છે.
દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિના મુખ્ય મથક ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, તેઓ આ સમયે હુમલાના કોઈ પુરાવા આપી શકતા નથી. મીડિયાએ ક્રેમલિનના શબ્દ પર વિશ્વાસ કરવો જોઈએ. સીઆઈએ એ પેસ્કોવના નિવેદન પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
