બેંગકોક (થાઇલેન્ડ), નવી દિલ્હી,09 સપ્ટેમ્બર
(હિ.સ.) થાઇલેન્ડની સુપ્રીમ કોર્ટે મંગળવારે દેશના પ્રભાવશાળી ભૂતપૂર્વ વડાપ્રધાન
અને અબજોપતિ થાકસિન શિનાવાત્રાને એક વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે ગયા
વર્ષે થાકસિનના લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવાને ગેરકાયદેસર જાહેર કર્યો હતો
અને તેમને બેંગકોક રિમાન્ડ જેલમાં તેમની સજા ભોગવવાનો આદેશ આપ્યો હતો.
આ માહિતી સીએનએનના અહેવાલમાં આપવામાં આવી હતી. અહેવાલ મુજબ,” 76 વર્ષીય થાક્સિન 2001 થી 2006 સુધી વડાપ્રધાન
હતા. જ્યાં સુધી તેમને લશ્કરી બળવા દરમિયાન પદભ્રષ્ટ કરવામાં આવ્યા ન હતા. 15 વર્ષના
સ્વ-નિર્વાસ પછી, તેમણે 2023 માં થાઇલેન્ડમાં
નાટકીય રીતે વાપસી કરી. સત્તામાં રહીને હિતોના સંઘર્ષ, સત્તાના દુરુપયોગ
અને ભ્રષ્ટાચાર માટે તેમને આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.”
થાઇલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્ને થાકસિનની જેલની સજા
ઘટાડીને એક વર્ષ કરી હતી. છ મહિના પછી, ફેબ્રુઆરી 2024 માં, તેમને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા. સજા છતાં, થાકસિને ક્યારેય
જેલની કોટડીમાં એક પણ રાત વિતાવી ન હતી. છાતીમાં જકડાઈ જવાની, હાઈ બ્લડ પ્રેશર
અને ઓક્સિજનના ઓછા સ્તરની ફરિયાદ કર્યા પછી, તેમણે બેંગકોકની પોલીસ જનરલ હોસ્પિટલમાં એક વૈભવી સ્યુટમાં
તેમની સજા ભોગવી.”
સુપ્રીમ કોર્ટે મંગળવારે ચુકાદો આપ્યો કે, થાકસિનનો
હોસ્પિટલમાં વિતાવેલો સમય સજાના સમયગાળામાં ગણાશે નહીં. જૂનમાં, થાઇલેન્ડની
મેડિકલ કાઉન્સિલે થાકસિનને હોસ્પિટલમાં સજા ભોગવવામાં મદદ કરનારા બે ડૉક્ટરોને
સસ્પેન્ડ કર્યા હતા. થાકસિન ચુકાદો સાંભળવા માટે કોર્ટમાં હાજર હતા. ગુરુવારે અગાઉ, તેઓ સ્વાસ્થ્ય
તપાસ માટે તેમના ખાનગી જેટમાં દુબઈ ગયા હતા. ત્યારબાદ એવું અનુમાન કરવામાં આવ્યું
હતું કે, તેઓ દેશ છોડીને ભાગી ગયા છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
