વોશિંગ્ટન, નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.). સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ટ્રમ્પને સલાહ આપી છે કે, ભારતને ‘મૂલ્યવાન અને લોકશાહી ભાગીદાર’ માનવું જોઈએ. ભારત સાથેના સંબંધો બગાડવા, એ એક વ્યૂહાત્મક આપત્તિ હશે. જો અમેરિકા ચીનની વધતી જતી મહત્વાકાંક્ષાઓને રોકવા માંગે છે, તો તેણે ભારત સાથેના સંબંધોને પ્રાથમિકતા આપવી પડશે.
ન્યૂઝવીકમાં પ્રકાશિત પોતાના લેખમાં હેલીએ લખ્યું છે કે, અમેરિકાએ એ વાતને અવગણવી ન જોઈએ કે, તેનું લક્ષ્ય ચીન છે અને તેનો સામનો કરવા માટે અમેરિકાને ભારતના રૂપમાં એક મિત્ર હોવો જોઈએ. ભારત એક લોકશાહી દેશ છે અને તેનો ઉદય વિશ્વ માટે ખતરો નથી, પરંતુ ચીનની વધતી જતી શક્તિ વિશ્વ માટે એક પડકાર છે, કારણ કે તે સામ્યવાદી શાસન હેઠળ ચાલે છે. હેલી કહે છે કે, એશિયામાં ચીનના વર્ચસ્વનો સામનો કરવા માટે ભારત એકમાત્ર દેશ છે.
હેલીએ લખ્યું છે કે, ચીનની જેમ ભારત પાસે પણ મોટા પાયે ઉત્પાદન ક્ષમતા છે, જે અમેરિકાને ચીનને બદલે ભારત દ્વારા તેની સપ્લાય ચેઇન માંગ પૂરી કરવામાં મદદ કરી શકે છે. ભારત સાથે દુશ્મન જેવો વ્યવહાર કરવો, એ એક વ્યૂહાત્મક ભૂલ હશે. ભારતની વધતી જતી સંરક્ષણ ક્ષમતા અને મધ્ય પૂર્વમાં તેની ભૂમિકા, તે ક્ષેત્રમાં સ્થિરતા લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
વૈશ્વિક દ્રષ્ટિકોણથી ભારતના મહત્વને રેખાંકિત કરતો હેલીનો લેખ એવા સમયે આવ્યો છે, જ્યારે અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર વિવાદ ચરમસીમાએ છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા પારસ્પરિક ડ્યુટી અને 25 ટકા વધારાની ટેરિફ લાદી છે, જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે.
હેલીએ કહ્યું કે, ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. ભારતનો ઉદય ચીનની વૈશ્વિક વ્યવસ્થા પર પ્રભુત્વ મેળવવાની મહત્વાકાંક્ષાને અટકાવશે. જેમ જેમ ભારત મજબૂત બનશે, તેમ તેમ ચીનની મહત્વાકાંક્ષાઓ નબળી પડશે. અમેરિકા અને ભારત વચ્ચેની ભાગીદારી બંને દેશોના હિતોને પૂર્ણ કરશે અને ભારત ચીન સામે વધુ મજબૂત રીતે ટકી શકશે. પરંતુ જો અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર વિવાદ લાંબા સમય સુધી લંબાય છે, તો ચીન આ પરિસ્થિતિનો લાભ લઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
