નવી દિલ્હી, 17 ઓકટોબર : ‘હાઈવે મેન ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતા નીતિન જયરામ ગડકરીના જીવન પર આધારિત ફિલ્મ ‘ગડકરી’ ટૂંક સમયમાં રિલીઝ થશે. હાલમાં જ આ ફિલ્મ ની ટ્રેલર લોન્ચ સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ભારતીય ક્રિકેટર ઉમેશ યાદવ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નીતિન ગડકરીની ભૂમિકા ભજવનાર રાહુલ ચોપરા એ ‘ગડકરી’ સ્ટાઈલમાં આવીને દર્શકોના દિલ જીતી લીધા હતા.
ટ્રેલરની શરૂઆત ‘ગડકરી’થી ‘રોડકારી’ સુધીની સફરથી થાય છે. ફિલ્મના ટ્રેલરમાં તેમના બાળપણના તમામ પાસાઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવકો, ચૂંટણીમાં હાર, જીવલેણ હુમલો, સામાજિક ચિંતાઓ બતાવવામાં આવી છે. તે નીતિન ગડકરીના અંગત જીવનની સફરની ઝલક પણ આપે છે. આ પછી ભારતના પ્રથમ એક્સપ્રેસ વેની સફર, તેને સૌથી ઓછા ખર્ચે બનાવવાનો નિર્ણય અને તેના માટે જે સંઘર્ષ કરવો પડ્યો તે પણ આ ટ્રેલરમાં જોવા મળે છે.
રસપ્રદ વાત એ છે કે, આ ટ્રેલરમાં નીતિન ગડકરીની સાથે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે પણ જોવા મળે છે. દર્શકો 27 ઓક્ટોબરથી ‘જહાં ચાહ વહા રાહ’ માં માનનારા ‘ગડકરી’ની સફર જોઈ શકશે. તે અનુરાગ રાજન ભુસારી દ્વારા નિર્દેશિત છે અને અક્ષય દેશમુખ ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે, અભિજીત મજમુદાર અને એએમ સિનેમા દ્વારા પ્રસ્તુત છે. નિતિન ગડકરીની ભૂમિકા રાહુલ ચોપરા ભજવે છે. ફિલ્મમાં ઐશ્વર્યા ડોરલે, અભિલાષ ભુસારી, પુષ્પક ભટ્ટ, અભય નવાથે, વેદાંત દેશમુખ, તૃપ્તિ પ્રમિલા કાલકર પણ જોવા મળશે. વાર્તા, પટકથા અનુરાગ ભુસારીએ લખી છે. ફિલ્મના સહ-નિર્માતા અનુરાગ ભુસારી, મિહિર ફેટ છે.
