નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.)
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 24 નવેમ્બરના રોજ 89 વર્ષની વયે
અવસાન થયું. તેમના નિધનથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગ અને વિશ્વભરના તેમના ચાહકો શોકમાં
ડૂબી ગયા છે. દેઓલ પરિવાર તરફથી એક સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી હતી, પરંતુ હવે તે
જાહેર કરવામાં આવ્યું છે. અભિનેત્રી અને ધર્મેન્દ્રની પત્ની હેમા માલિનીએ સોશિયલ
મીડિયા પર પોતાના સ્વર્ગસ્થ પતિને યાદ કરતી એક ઊંડી ભાવનાત્મક પોસ્ટ શેર કરી, જેમાં વર્ણવવામાં
આવ્યું છે કે,” ધર્મેન્દ્ર હંમેશા તેમના અને તેમની પુત્રીઓ, એશા દેઓલ અને
આહના દેઓલ માટે મજબૂત ટેકો બનીને રહ્યા.”
હેમા માલિની ભાવુક થઈ….
ધર્મેન્દ્રનો જૂનો ફોટો શેર કરતા હેમાએ લખ્યું, ધરમજી મારા માટે ઘણું
બધું હતા. એક પ્રેમાળ પતિ,
અમારી બે પુત્રીઓ, એશા અને આહના
માટે એક પ્રેમાળ પિતા, મારા મિત્ર, ફિલોસોફર, માર્ગદર્શક, કવિ… એક એવી
વ્યક્તિ, જે હંમેશા જરૂરિયાતના સમયે મારી સાથે રહેનારા. સાચું કહું તો, તે મારા માટે
બધું જ હતા. તે સારા અને ખરાબ સમયમાં, મારી સાથે મજબૂત રીતે ઉભા રહ્યા. મારા
પરિવારના દરેક સભ્ય તેમને ખૂબ પ્રેમ કરતા હતા અને હંમેશા તેમના પર પોતાનો પ્રેમ
વરસાવતા હતા.
અભિનેત્રીએ આગળ લખ્યું, જાહેર વ્યક્તિ હોવા છતાં, તેમની નમ્રતા
અજોડ હતી. તેમની પ્રતિભા,
લોકપ્રિયતા અને
સાદગી તેમને મહાન વ્યક્તિઓમાં પણ અલગ પાડતી હતી. ફિલ્મ ઉદ્યોગમાં તેમની સિદ્ધિઓ
અને યોગદાન હંમેશા યાદ રહેશે. આ વ્યક્તિગત ખોટ મારા માટે અપાર છે. તેમના નિધનથી
સર્જાયેલો ખાલીપો, મારા બાકીના જીવનભર મારી સાથે રહેશે. આટલા લાંબા સમય સુધી સાથે
રહ્યા પછી, હવેફક્ત યાદો જ રહી
છે…
ધર્મેન્દ્ર થોડા સમય માટે ગંભીર રીતે બીમાર હતા. જ્યારે
તેમની તબિયત વધુ ખરાબ થઈ,
ત્યારે તેમને
મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 12 નવેમ્બરની સવારે, તેમનો પરિવાર
તેમને મુંબઈના જુહુ સ્થિત તેમના નિવાસસ્થાને ઘરે લાવ્યો, જ્યાં તેમની
સારવાર ચાલી રહી હતી. પરંતુ 24 નવેમ્બરની સવારે, અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહ્યું.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
