નવી દિલ્હી, 27 ઓકટોબર (હિ. સ.) બોલિવૂડના ફેવરિટ એક્ટર્સમાંથી એક સની દેઓલે, ત્રણ દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. થોડા મહિના પહેલા રિલીઝ થયેલી સની દેઓલની ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યા હતા. હવે સમાચાર આવ્યા છે કે, સની દેઓલ નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં હનુમાનની ભૂમિકા ભજવશે. કહેવાય છે કે, આ રોલ માટે સનીએ મોટી રકમ લીધી છે.
મળતી માહિતી મુજબ, સની દેઓલને ફિલ્મ ‘રામાયણ’માં ‘હનુમાન’ના રોલ માટે કાસ્ટ કરવામાં આવ્યો છે. અહેવાલ છે કે, હનુમાનના રોલ માટે સનીએ 45 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. થોડા દિવસો પહેલા, તેણે રામાયણ સાથે જોડાયેલી ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. ફિલ્મ ‘રામાયણ’માં રણબીર કપૂર પ્રભુ રામના રોલમાં જોવા મળશે અને સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે. આ પહેલા સીતાના રોલ માટે આલિયા ભટ્ટના નામની ચર્ચા થઈ રહી હતી, પરંતુ કોઈ કારણસર તેણે આ ફિલ્મમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ‘કેજીએફ’ ફેમ એક્ટર યશ, રાવણનું પાત્ર ભજવશે. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ‘રામાયણ’ ફિલ્મ 2024માં રિલીઝ થવા જઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
