મુંબઈ, નવી દિલ્હી, 14 જાન્યુઆરી (હિ.સ) એશિયન ફાઉન્ડેશન, મહારાષ્ટ્ર સરકારના સંસ્કૃતિ વિભાગ, અને ફિલ્મસિટીના સહયોગથી આયોજિત 20મો, થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થયો છે અને આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન મહારાષ્ટ્ર ફિલ્મ સ્ટેજ એન્ડ કલ્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએફએસસીડીસી)ના,, અવિનાશ ઢાકણે દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉત્સવના પ્રમુખ કિરણ શાંતારામ, ચૈતન્ય શાંતારામ, ડાયરેક્ટર જબ્બાર પટેલ, જ્યુરી મેમ્બર સ્મિતા તાંબે, દિનેશ ઝોટીંગ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે, પીઢ દિગ્દર્શક રમેશ સિપ્પીને “એશિયન કલ્ચર” વિશેષ પુરસ્કાર અને ફિલ્મ ચળવળના કાર્યકર સુભાષ દેસાઇને, ઉત્સવના અધ્યક્ષ કિરણ શાંતારામ દ્વારા “સત્યજીત રે” પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
સિનેમા મારી દુનિયા છે અને થિયેટર મારું ઘર છે, એ હકીકતથી હું ક્યારેય દૂર રહી શકતો નથી. પીઢ દિગ્દર્શક રમેશ સિપ્પીએ જણાવ્યું હતું કે, એશિયન કલ્ચર પુરષ્કારથી મને સન્માનિત કરવા બદલ, હું એશિયન ફિલ્મ ફાઉન્ડેશનનો ઋણી છું અને હું નમ્રતાપૂર્વક આ એવોર્ડ સ્વીકાર કરૂ છું.
ચિત્રનગરીના મેનેજિંગ ડાયરેક્ટર અવિનાશ ઢાકણેએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય વર્તમાન પેઢી સુધી વિશ્વકક્ષાની ફિલ્મ પહોંચે અને આજની યુવા પેઢીને કલાની વિવિધ સંસ્કૃતિનો પરિચય કરાવવાનો છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, નવી ટેક્નોલોજી અપનાવતી વખતે વિવિધ કલા સ્વરૂપોને પ્રોત્સાહન આપવા માટે દરેક વ્યક્તિએ સાથે મળીને કામ કરવું જરૂરી છે.
ફેસ્ટિવલ ડાયરેક્ટર સંતોષ પઠારેએ અપીલ કરી હતી કે, આ વર્ષના ફેસ્ટિવલમાં તમામ કલાકૃતિઓ ઉચ્ચ ગુણવત્તાની છે અને ચાહકોએ તેને માણવી જોઈએ. મહોત્સવના પ્રમુખ કિરણ શાંતારામે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો.
ફિલ્મ આન્દ્રાગોજી દ્વારા ઉત્સવની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી. 18 જાન્યુઆરી સુધી ચાલનારા,, સાત દિવસીય મહોત્સવમાં વિવિધ એશિયન દેશોની ફિલ્મો બતાવવામાં આવશે. આ ફેસ્ટિવલ દરમિયાન ચાહકોને ઘણી ગુણવત્તાયુક્ત કલાકૃતિઓ જોવા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી
