નવી દિલ્હી, 15 જાન્યુઆરી(હિ. સ.) દેશવાસીઓ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવા ઉત્સુક છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાધુ, સંતો, મહંતો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના સાક્ષી બનશે. આ સમારોહ પહેલા બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને અયોધ્યામાં જમીન ખરીદી છે. આ સિવાય બિગ બી પણ આ જગ્યા પર ઘર બનાવવાના છે. એટલા માટે અમિતાભ બચ્ચન ચર્ચામાં છે, કે શું તેઓ અયોધ્યાના રહેવાસી બનશે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા, અમિતાભ બચ્ચને મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા (હોબલ) દ્વારા અયોધ્યામાં 7-સ્ટાર એન્ક્લેવ ધ સરયુમાં એક પ્લોટ ખરીદ્યો છે. રિપોર્ટ અનુસાર, બિગ બી અહીં 10 હજાર સ્ક્વેર ફૂટનું ઘર બનાવવા જઈ રહ્યા છે. આ પ્લોટની કિંમત 14.5 કરોડ રૂપિયા છે. અયોધ્યામાં રોકાણ કર્યા બાદ અમિતાભ બચ્ચને કહ્યું, અયોધ્યા આ શહેર માટે મારા હૃદયમાં એક ખાસ સ્થાન છે.
હોબલના પ્રમુખ અભિનંદન લોઢાએ કહ્યું, “હું સરયૂના પ્રથમ નાગરિક તરીકે અમિતાભ બચ્ચનનું સ્વાગત કરું છું. આ પ્રોજેક્ટ રામ મંદિરથી લગભગ 15 મિનિટ દૂર છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ અડધા કલાકના અંતરે છે. આ એન્ક્લેવમાં બ્રુકફિલ્ડ ગ્રૂપ દ્વારા લીલા પેલેસ, હોટેલ્સ અને રિસોર્ટ્સ સાથે ભાગીદારીમાં ફાઇવ સ્ટાર પેલેસ હોટેલ પણ હશે. આ પ્રોજેક્ટ 2028 સુધીમાં પૂર્ણ થવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/સુનીત / ડો. હિતેશ/બિનોદ
