નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.). કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે જણાવ્યું હતું કે, ભારત હાલમાં અમેરિકા અને યુરોપિયન યુનિયન (ઈયુ) સહિત લગભગ 50 દેશો અને અનેક વેપારી ભાગીદારો સાથે મુક્ત વેપાર કરારો (એફટીએ) પર વાટાઘાટો કરી રહ્યું છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફઆઈસીસીઆઈ) ની 98મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. ગોયલે કહ્યું કે, આ કરારો દ્વારા, ભારત તેના વિશ્વસનીય વેપાર ભાગીદારો સાથે કામ કરી રહ્યું છે. ગોયલે કહ્યું, આપણે બધાએ વેપારને એક હથિયાર બનતા જોયો છે. આપણે બધાએ વિશ્વભરમાં વિશ્વસનીય ભાગીદારોનું મહત્વ જોયું છે.
તેમણે કહ્યું કે, ભારત હાલમાં વ્યક્તિગત દેશો અને લગભગ 50 રાષ્ટ્ર જૂથો સાથે મુક્ત વેપાર કરારો પર વાટાઘાટો કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, ભારત ઓમાન સાથે વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યું છે. બહેરીન અને કતાર પણ વાટાઘાટોમાં જોડાવા માંગે છે. તેમણે કહ્યું કે, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી) સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે. ગોયલે જણાવ્યું હતું કે, દેશ આસિયાન અને કોરિયા સાથે મુક્ત વેપાર કરારો (એફટીએ) ની પણ સમીક્ષા થઇ રહી છે જેથી તેમને વધુ સંતુલન મળે. તેમણે કહ્યું, અમે ઈએઈયુ (યુરેશિયા-આધારિત આર્થિક સંઘ) સાથે કામ કરી રહ્યા છીએ, જેણે ગઈકાલે અથવા પરમ દિવસે વાટાઘાટો શરૂ કરી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અમે ટૂંક સમયમાં ઇઝરાયલ સાથે વાટાઘાટો શરૂ કરવા માટે સમાન રીતે પ્રતિબદ્ધ છીએ. કેનેડા અને ભારત એક વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઈપીએ) પર વિચાર કરી રહ્યા છે અને આવતા અઠવાડિયે વાટાઘાટો શરૂ કરવાના છે. તેમણે કહ્યું કે, દક્ષિણ આફ્રિકન કસ્ટમ્સ યુનિયન (એસએસીયુ) અને મર્કોસુર (દક્ષિણ અમેરિકામાં એક પ્રાદેશિક વેપાર જૂથ) પણ વાટાઘાટોમાં પ્રવેશ કરવા માંગે છે.
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ‘ભારત: એક આત્મનિર્ભર આર્થિક મહાસત્તા’ થીમ પર એફઆઈસીસીઆઈ ની 98મી વાર્ષિક સામાન્ય સભા અને સંમેલનને સંબોધતા મંત્રીએ કહ્યું, અમે ન્યુઝીલેન્ડ સાથે વાત કરી રહ્યા છીએ, અમે અમેરિકા અને 27 દેશોના યુરોપિયન યુનિયન સાથે સક્રિય રીતે વાટાઘાટો કરી રહ્યા છીએ.
આ પહેલા, એફઆઈસીસીઆઈ ના પ્રમુખ હર્ષવર્ધન અગ્રવાલે 98મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલનું ગ્રીન સર્ટિફિકેટ આપીને સ્વાગત કર્યું.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
