
નવી દિલ્હી, 31 ઓક્ટોબર : ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસઆઈ) એ તહેવારોની મોસમ, દિવાળી દરમિયાન ભેળસેળને રોકવા માટે મીઠાઈઓનું મોનિટરિંગ વધાર્યું છે. એફએસએસઆઈ એ, દેશભરના તેના 4,000 રાજ્ય-સ્તરના અધિકારીઓને છૂટક મીઠાઈના વેચાણકર્તાઓ અને ઉત્પાદકો પર દેખરેખ, વધુ તીવ્ર બનાવવા માટે નિર્દેશ આપ્યો છે.
એફએસએસઆઈ ના મુખ્ય કાર્યકારી અધિકારી જી. કમલા વર્ધન રાવે મંગળવારે ‘ઈટ રાઈટ સમિટ’ 2023ની બાજુમાં મીડિયાને જણાવ્યું હતું કે,” સામાન્ય રીતે દિવાળીના અવસર પર, મીઠાઈનો વપરાશ વધી જાય છે. અમે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમારા અધિકારીઓને મીઠાઈમાં ભેળસેળને રોકવા માટે દેખરેખને વધુ સઘન બનાવવાનો નિર્દેશ આપ્યો છે. દૂધ અને દૂધના ઉત્પાદનોની ગુણવત્તા ચકાસવા માટે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે રાષ્ટ્રીય સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વેમાં અંદાજે 10 હજાર સેમ્પલ લેવામાં આવશે. આ સર્વે એક મહિનામાં પૂર્ણ થશે.”
દરમિયાન, એફએસએસઆઈ એ આ વર્ષે સર્વેલન્સ સેમ્પલની સંખ્યા વધારીને એક લાખ કરી છે. જે આવતા વર્ષે વધીને સાત લાખ થશે. ભારતમાં મોટાભાગે દૂધમાં ભેળસેળ થાય છે. દિવાળીના તહેવારમાં મીઠાઈનો વપરાશ વધી જાય છે. જેના કારણે દુકાનદારો મીઠાઈમાં ભેળસેળ કરવાનું શરૂ કરી દે છે. ભારતમાં સૌથી વધુ ભેળસેળ વાળી વસ્તુ દૂધ છે અને મોટાભાગની મીઠાઈઓ દૂધમાંથી બનાવવામાં આવતી હોય છે.
