નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.) સોવરેન ગોલ્ડ બોન્ડ (એસજીબી)નો પ્રથમ તબક્કો, 30 નવેમ્બરે પરિપક્વ થવાનો છે. એસજીબીની પ્રથમ હપ્તા 2015 માં જારી કરવામાં આવી હતી, જે 8 વર્ષની પરિપક્વતા અવધિ પછી ગુરુવારે પરિપક્વ થશે. એસજીબીના આ હપ્તાના રોકાણકારોએ સોનાના રોકાણ પર પ્રતિ ગ્રામ રૂ. 3,448 નો નફો કર્યો છે. આ બોન્ડે તેના રોકાણકારોને 10.88 ટકા કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) વળતર આપ્યું છે.
ભારતીય રિઝર્વ બેંક અનુસાર, એસજીબીના પ્રથમ હપ્તાના અંતિમ રિડેમ્પશન માટે પ્રતિ યુનિટ (ગ્રામ) રૂ. 6,132 ચૂકવવામાં આવશે. એસજીબીની આ કિંમત 20 થી 24 નવેમ્બરના સપ્તાહ દરમિયાન સોનાની સરેરાશ બંધ કિંમતના આધારે ગણવામાં આવી છે. 2015માં આવેલા સોવરેન ગોલ્ડ બોન્ડના પ્રથમ હપ્તામાં, રોકાણકારોએ પ્રતિ યુનિટ (ગ્રામ) રૂ. 2,684 ચૂકવવા પડ્યા હતા. આ રીતે, પાકતી મુદત પછી, રોકાણકારોને પ્રતિ યુનિટ (ગ્રામ) રૂ. 3,448નો નફો મળી રહ્યો છે. એસજીબીના પ્રથમ હપ્તામાં રોકાણ કરનારા રોકાણકારોને પણ અર્ધવાર્ષિક ધોરણે 2.75 ટકા વ્યાજ આપવામાં આવ્યું છે. જોકે, 2015 પછી આવેલા સોવરેન ગોલ્ડ બોન્ડના હપ્તામાં વ્યાજ દર 2.75 ટકાથી ઘટાડીને 2.50 ટકા કરવામાં આવ્યો હતો.
સોવરેન ગોલ્ડ બોન્ડ, એ ભૌતિક સોનાના વિકલ્પ તરીકે ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવતી સિક્યોરિટી છે, જે ભારતીય રિઝર્વ બેંક દ્વારા રોકાણકારોને જારી કરવામાં આવે છે. આ બોન્ડની પાકતી મુદત 8 વર્ષ છે. જો કે, બોન્ડ જારી કર્યાના 5 વર્ષ પછી કોઈપણ સમયે તેને સમર્પણ કરીને ચૂકવણી કરી શકાય છે. ડીમેટ દ્વારા, સોવરેન ગોલ્ડ બોન્ડનો સ્ટોક એક્સચેન્જમાં પણ, વેપાર કરી શકાય છે અને અન્ય રોકાણકારને પણ ટ્રાન્સફર કરી શકાય છે.
સોવરેન ગોલ્ડ બોન્ડની પાકતી મુદત પછી, તેમાં રોકાણ કરનારા રોકાણકારોને સોનાના બજારની સરેરાશ બંધ કિંમતના આધારે ચૂકવણી કરવામાં આવે છે. તેમાં રોકાણ કરીને, રોકાણકારોને સોનામાં રોકાણ કરવાનો સંપૂર્ણ લાભ મળે છે, કારણ કે ભૌતિક સોનાથી વિપરીત, તેમને ન તો મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે અને ન તો સોનાની શુદ્ધતા વિશે ચિંતા કરવાની જરૂર હોય છે. તેના રોકાણ પરનું વ્યાજ પણ સરકાર દ્વારા રોકાણકારોને અર્ધવાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે. સોવરેન ગોલ્ડ બોન્ડના પ્રથમ હપ્તામાં વ્યાજ દર 2.75 ટકા નક્કી કરવામાં આવ્યો હતો, જે બાદમાં બદલીને 2.50 ટકા કરવામાં આવ્યો હતો.
આ બોન્ડમાં રોકાણકારો, ઓછામાં ઓછા એક ગ્રામ અને વધુમાં વધુ 4 કિલોગ્રામના સોનાના યુનિટમાં રોકાણ કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા / પવન / માધવી
