નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિં.સ.) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું કે,” વૈશ્વિક સ્તરે સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, વિકાસ બેંક, ડબ્લ્યુએચઓ અને ડબ્લ્યુટીઓ જેવી સંસ્થાઓનો પ્રભાવ ઓછો થયો છે.” સીતારમને કહ્યું કે,” દેશમાં નાણાકીય સમાવેશ લાવવા માટે પ્રધાનમંત્રી જન-ધન યોજના, સૌથી મોટા માધ્યમ તરીકે ઉભરી આવી છે.”
નાણામંત્રી આજે નવી દિલ્હીમાં કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ 2023ને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું કે,” 2014માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન-ધન યોજના (પીએમજેડીવાય) દેશમાં નાણાકીય સમાવેશ લાવવાના સૌથી મોટા માધ્યમ તરીકે ઉભરી આવી છે. આમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું ફંડ છે.” નાણામંત્રીએ કહ્યું કે,” 50 થી વધુ સરકારી યોજનાઓ હેઠળના લાભો (રકમ) સીધા લાભાર્થીઓના, બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. પીએમજેડીવાય એ, આમાં મહત્વની ભૂમિકા ભજવી છે.”
કૌટિલ્ય ઈકોનોમિક કોન્ક્લેવ 2023નું ઉદ્ઘાટન કર્યા બાદ સીતારમણે, બહુપક્ષીય સંસ્થાઓ પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે,” વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, બહુપક્ષીય વિકાસ બેંક (એમડીબી), ડબ્લ્યુએચઓ અને ડબ્લ્યુટીઓ જેવી સંસ્થાઓનો પ્રભાવ ઓછો થયો છે.” તેમણે કહ્યું કે,” આપણે એ કહેવામાં સંકોચ કરવાની જરૂર નથી કે, આ બહુપક્ષીય સંસ્થાઓ હવે જે કાર્ય માટે બનાવવામાં આવી હતી, તેના કરતાં ઓછી અસરકારક છે.”
તેમણે કહ્યું કે,” વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર, દેવાની પરિસ્થિતિ પ્રત્યે સભાન છે અને આવનારી પેઢી પર તે બોજ ન બને તે માટે નાણાકીય વ્યવસ્થાપન કર્યું છે.” નિર્મલા સીતારમણે કહ્યું કે,” રોકાણકારો અને વ્યવસાયોએ નિર્ણય લેતી વખતે વૈશ્વિક આતંકવાદની અસરને, ધ્યાનમાં રાખવાની જરૂર છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / માધવી
