
નવી દિલ્હી, 01 જાન્યુઆરી (હિ.સ.) નવા વર્ષ-2024ના પહેલા દિવસે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મોટી રાહત આપતાં જાહેર ક્ષેત્રની તેલ અને માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 1.50 રૂપિયાથી 4.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા દરો આજ (સોમવાર)થી અમલમાં આવી ગયા છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (આઇઓસીએલ)ની વેબસાઈટ અનુસાર, હવે રાજધાની દિલ્હીમાં 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 1.50 રૂપિયા ઘટીને 1755.50 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં તેની કિંમત 1.50 રૂપિયાથી 1708.50 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. ચેન્નાઈમાં તેની કિંમત 4.50 રૂપિયા ઘટીને 1924.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકતામાં તેની કિંમત 50 પૈસાના મામૂલી વધારાથી 1869 રૂપિયા થઈ ગઈ છે.
નોંધનીય છે કે, આ પહેલા 22 ડિસેમ્બર 2023ના રોજ તેલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 39.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જોકે, 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. હાલમાં તે દિલ્હીમાં 903 રૂપિયામાં ઉપલબ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ/માધવી
