નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) આ વર્ષે 10 નવેમ્બરે ધનતેરસ છે. દિવાળી પહેલા ધનતેરસ ખરીદી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસ દિલ્હી સહિત દેશભરના વેપારીઓ માટે માલના વેચાણ માટેનો મોટો દિવસ છે. દેશભરમાં વેપારીઓએ ધનતેરસની તૈયારીઓ પૂરજોશમાં કરી લીધી છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ) ના રાષ્ટ્રીય મહાસચિવ, પ્રવીણ ખંડેલવાલે ગુરુવારે જણાવ્યું હતું કે, ધનતેરસના અવસર પર આજે અને આવતીકાલે બે દિવસમાં દેશભરમાં લગભગ 50 હજાર કરોડ રૂપિયાના છૂટક વેપારનો અંદાજ છે. બીજી તરફ આ વખતે દિવાળી પર બજારોમાં ‘વોકલ ફોર લોકલ’ની અસર સંપૂર્ણપણે જોવા મળી રહી છે.
ખંડેલવાલે એક નિવેદનમાં કહ્યું કે, આ વખતે મોટાભાગના લોકો ભારતમાં બનેલી વસ્તુઓ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. એક અનુમાન મુજબ, દિવાળી સંબંધિત ચીની ચીજવસ્તુઓનું વેચાણ ન થવાને કારણે ચીનને અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, ધનતેરસના દિવસે નવી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીના આભૂષણો અને અન્ય વસ્તુઓ, વાસણો, રસોડાનો સામાન, વાહનો, કપડાં, ઈલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ સામાન અને ઉપકરણો, મોબાઈલ, ખાતાવહી, ફર્નિચર અને હિસાબ વગેરેની ખાસ ખરીદી કરવામાં આવે છે. આ દિવસે ઝાડુ ખરીદવાનો ટ્રેન્ડ પણ જોવા મળે છે.
ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશન (એઆઈજેજીએફ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ જણાવ્યું હતું કે, આવતીકાલે ધનતેરસના વેચાણને લઈને દેશભરના જ્વેલરી વેપારીઓમાં ભારે ઉત્સાહ છે. આ માટે બુલિયન વેપારીઓએ મોટા પાયે તૈયારીઓ કરી છે. સોના, ચાંદી અને હીરાના આભૂષણો અને નવી ડિઝાઈનની જ્વેલરી સહિત અન્ય વસ્તુઓનો વિપુલ સ્ટોક રાખવામાં આવ્યો છે. આ સાથે આ વર્ષે બજારોમાં આર્ટિફિશિયલ જ્વેલરીની પણ ભારે માંગ જોવા મળી રહી છે.
કૈટ ના દિલ્હી પ્રદેશ પ્રમુખ વિપિન આહુજા અને રાજ્ય મહાસચિવ દેવ રાજ બાવેજાએ જણાવ્યું હતું કે, આવતીકાલે રાજધાની દિલ્હીમાં ધનતેરસના દિવસે ચાંદની ચોક, દરિબા કલાન, માલીવાડા, સદર બજાર, કમલા નગર, અશોક વિહાર, મોડલ ટાઉન, શાલીમાર બાગ, પીતમપુરા, રોહિણી, રાજૌરી ગાર્ડન, દ્વારકા, જનકપુરી, સાઉથ એક્સટેન્શન, ગ્રેટર કૈલાશ, ગ્રીન પાર્ક, યુસુફ સરાય, લાજપત નગર, કાલકાજી, પ્રીત વિહાર, શાહદરા અને લક્ષ્મી નગર સહિતના વિવિધ છૂટક બજારોમાં વૃધ્ધિ થવાની ધારણા છે.
પિત્તળનું વાસણ ખરીદવું શુભ છે-
કૈટની વૈદિક અને જ્યોતિષ સમિતિના કન્વીનર અને ઉજ્જૈનના પ્રસિદ્ધ વેદના જાણકાર, આચાર્ય દુર્ગેશ તારે એ જણાવ્યું હતું કે, ભગવાન ધન્વંતરિનો પ્રાદુર્ભાવ પણ ધનતેરસના દિવસે જ થયો હતો. ભગવાન ધન્વંતરી ભગવાન વિષ્ણુના અવતાર છે અને ઔષધના દેવતા પણ છે. આ સંદર્ભમાં આવતીકાલે, દેશભરમાં ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરવામાં આવશે. તેમની પ્રિય ધાતુ પિત્તળ માનવામાં આવે છે. એટલા માટે ધનતેરસ પર પિત્તળના વાસણો વગેરે ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે વાસણો અને રસોઈની વસ્તુઓનું મોટા પાયે વેચાણ થાય છે. દેશભરના લોકો ઉપરાંત, કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો, સ્થાનિક મીઠાઈઓ, કોન્ટ્રાક્ટ રસોઈયા, હોટેલ અને રેસ્ટોરન્ટના વ્યવસાયના લોકો, ખાસ કરીને ધનતેરસ પર ચોક્કસપણે વાસણો વગેરે ખરીદે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન / ડો.હિતેશ / માધવી
