નવી દિલ્હી, 27 ઓક્ટોબર (હિં.સ.) શેરધારકોએ આકાશ, ઈશા અને અનંત અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિમણૂકને મંજૂરી આપી છે. ત્રણેયને ગૈર-કાર્યકારી નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શુક્રવારે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, શેરધારકોએ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણીની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. 32 વર્ષીય જોડિયા ઈશા અને આકાશ અંબાણીને, રિલાયન્સના બોર્ડમાં નિમણૂક કરવા માટે 98 ટકાથી વધુ મતો મળ્યા, જ્યારે 28 વર્ષના અનંતને 92.75 ટકા મત મળ્યા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નીતા અંબાણીનુ બોર્ડમાંથી રાજીનામું સ્વીકારી લીધું છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે નીતા અંબાણી, આરઆઈએલ બોર્ડ મીટિંગમાં કાયમી આમંત્રિત તરીકે હાજરી આપશે. નોંધનીય છે કે, અત્યાર સુધી ઈશા, આકાશ અને અનંત અંબાણી માત્ર ઓપરેટિંગ બિઝનેસ લેવલ પર જ સામેલ હતા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન / માધવી
