ગાંધીનગર,03 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત ભરતી બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી. પોલીસમાં પીએસઆઈ અને એલઆરડી ની કુલ 13,591 જગ્યાઓની ભરતી માટે શારીરિક કસોટી આગામી 21 જાન્યુઆરી 2026થી શરૂ થવાની છે. આ ભરતીમાં લોકરક્ષક કેડર (LRD) માટે 12,733 અને PSI કેડર માટે 858 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. એલઆરડીમાં બિનહથિયારી, હથિયારી, એસઆરપીએફ તેમજ જેલ સિપાહીનો સમાવેશ થાય છે, પીએસઆઈમાં બિનહથિયારી, હથિયારી અને જેલર ગ્રુપ-2ની ભરતી કરવામાં આવશે.
જોકે, શારીરિક કસોટી માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અંગેની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ ભરતી બોર્ડ દ્વારા જાણાવાયું છે. પીએસઆઈ અને લોકરક્ષક કેડર માટે 13,591 જગ્યાઓ માટે યોજાયેલી આ ભરતીમાં રાજ્યભરમાંથી 14,28,546 ઉમેદવારોએ અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પીએસઆઈ અને એલઆરડી જેવી મહત્વપૂર્ણ કેડરની ભરતી માટે શારીરિક કસોટી મહત્વપૂર્ણ માપદંડ ગણાય છે. તેથી ઉમેદવારોને તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા તથા શારીરિક ધોરણો અંગે પૂર્વ તૈયારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઉમેદવારોને સલાહ પણ આપવામાં આવી છે કે, તેઓ નિયમિત રીતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અધિકૃત વેબસાઈટ પર નજર રાખવાનું જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ
