મહેસાણા,, 12 ડિસેમ્બર (હિ.સ.) આજ રોજ કડી તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશ પ્રજાપતિ દ્વારા TD વેક્સિન ન લેતી કેટલીક સ્કૂલો અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેમાં સ્થાનિક મુસ્લિમ સમાજના આગેવાનો સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી. TD વેક્સિનનો હેતુ ટેટનસ અને ડિફ્થેરીયા જેવી ગંભીર બીમારીઓથી બાળકોને સુરક્ષિત રાખવાનો છે. પરંતુ તાલુકાની કેટલાક સ્કૂલોમાં વેક્સિનેશન માટે પ્રતિસાદ ન મળતા, સમાજના આગેવાનોને જોડીને સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
મુલાકાત દરમિયાન ડો. પ્રજાપતિએ TD વેક્સિનની જરૂરીયાત, તેની સલામતી અને બાળકોના આરોગ્ય પર લાંબા ગાળાના ફાયદાઓ અંગે વિસ્તૃત સમજ આપી. વેક્સિન વિશેના ગેરસમજ અને અફવાઓ દૂર કરી, તમામ બાળકો સુધી વેક્સિનેશનની સુવિધા પહોંચે તે માટે સમાજના આગેવાનોનો સહયોગ માગવામાં આવ્યો.
મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ વેક્સિનેશન અભિયાનમાં સક્રિય સહયોગ આપવાની અને સ્કૂલો તથા માતા-પિતાને જાગૃત કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. બેઠકમાં TD વેક્સિન કેમ્પનું આયોજન, સમયસૂચિ અને બાળકોની 100% કવરેજ સુનિશ્ચિત કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું. આ બેઠકથી તાલુકામાં વેક્સિનેશન અભિયાનને નવી ગતિ મળશે અને તમામ બાળકો સુરક્ષિત થાય તે દિશામાં સકારાત્મક પગલું સાબિત થશે.
—————
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR
