લાતુર (મહારાષ્ટ્ર), નવી દિલ્હી, 12 ડિસેમ્બર (હિ.સ): ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને કોંગ્રેસ નેતા શિવરાજ પાટીલનું, આજે સવારે લાતુર સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું. 90 વર્ષની વયે પાટીલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા, એમ પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું. તેમનો જન્મ 12 ઓક્ટોબર, 1935 ના રોજ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ચાકુર ગામમાં થયો હતો. ભારતીય રાજકારણમાં એક ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ, તેમને તેમની લાંબી અને પ્રતિષ્ઠિત કારકિર્દી માટે યાદ કરવામાં આવે છે, તેમણે સંસદ, કેન્દ્ર સરકાર અને રાજ્ય વિધાનસભાઓમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા.
પાટીલે લોકસભાના 10મા સ્પીકર તરીકે સેવા આપી હતી અને જાહેર જીવનમાં ચાર દાયકાથી વધુ સમય સુધી અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા.
1980માં પાટીલ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ્યા. તે વર્ષે તેઓ પહેલી વાર સાતમી લોકસભામાં ચૂંટાયા અને 2004 સુધી સતત સાત મુદત સુધી સેવા આપી. 1980-1990ના સમયગાળા દરમિયાન, તેમણે સંસદ સભ્યોના પગાર અને ભથ્થાં પરની સંયુક્ત સમિતિમાં સેવા આપી અને બાદમાં તેના અધ્યક્ષ બન્યા. સંસદમાં તેમનો કાર્યકાળ, વિવિધ મંત્રાલયોમાં તેમના વ્યાપક કાર્ય માટે જાણીતો છે. તેમણે સંરક્ષણ, વાણિજ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, અણુ ઊર્જા, ઇલેક્ટ્રોનિક્સ, અવકાશ અને મહાસાગર વિકાસ, બાયોટેકનોલોજી, કર્મચારી અને તાલીમ, જાહેર ફરિયાદો અને પેન્શન, વહીવટી સુધારા, સંરક્ષણ ઉત્પાદન, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન સહિત અનેક વિભાગોમાં રાજ્યમંત્રી તરીકે સેવા આપી.
તેમણે 2004 થી 2008 સુધી ભારતના ગૃહમંત્રી તરીકે સેવા આપી. 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા બાદ, તેમણે 30 નવેમ્બર, 2008ના રોજ સુરક્ષા ખામીઓની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું. 2010 થી 2015 દરમિયાન, પાટીલે પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે સેવા આપી. રાષ્ટ્રીય રાજકારણમાં પ્રસિદ્ધિ મેળવતા પહેલા, પાટિલ મહારાષ્ટ્ર વિધાનસભાના બે વખત સભ્ય હતા.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
