વલસાડ,9 ડિસેમ્બર (હિ.સ.) સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના વાગધરા રોડ પર ઔધોગિક વિસ્તારમાં આવેલી એક કંપનીમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આગ આસપાસમાં પણ પ્રસરી ગઈ હતી. મહત્વનું છે કે લિઝા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી સનલાઈટ કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે કંપનીનો મોટોભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. વિકરાળ આગના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કંપની બલ્બ અને ટ્યુબલાઈટ જેવા લાઇટિંગના ઉપકરણો બનાવે છે. આગને કારણે કંપનીમાં ધડાકાના અવાજ પણ આવતા હતા. જેથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.સંઘપ્રદેશ દાદરા અને નગર-હવેલીના દાદરા ગામે બે અલગ-અલગ આગની ઘટનાઓ સામે આવી છે. દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આવેલી લીઝા ઇન્ડસ્ટ્રી નામની પ્લાસ્ટિક કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
દાદરા અને નગર-હવેલીના દાદરા ગામે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગવાના કારણે પ્લાસ્ટિકની હાજરીને લીધે આગે જોતજોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી મોટી બની ગઈ હતી કે કંપનીમાં નાના-મોટા વિસ્ફોટ પણ થયા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આ વિકરાળ આગની જ્વાળાઓએ બાજુમાં આવેલી આસપાસની અન્ય કંપનીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
ઘટનાની જાણ થતાં જ સંઘપ્રદેશ દાદરા અને નગર-હવેલીના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમની સાથે અન્ય વિસ્તારોના ફાયર ફાઇટરો પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નોમાં જોડાયા હતા. જોકે, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના કારણે આગ પર કાબૂ મેળવતા ખુબ જ મુશ્કેલીઓ પડી હતી.
દાદરા અને નગર-હવેલીની પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે આસપાસના જોખમી વિસ્તારોને ખાલી કરાવ્યા હતા. કોઈ જાનહાનિ ન થાય તે માટે પોલીસે સુરક્ષાના પગલાં લીધા હતા.હાલ આગ કાબૂમાં આવી ગઇ છે. જ્યારે કુલિંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ
