– સગીરને ગોળી વાગતા જમીન પર ઢળી પડ્યો
અમદાવાદ,9 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદના લાંભાના એક ફ્લેટમાં મસ્તી મસ્તીમાં ફાયરીંગનિઘન સામે આવી છે જેમ આએક સગીરને ગોળી વાગી,પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી છે.લાંભામાં આવેલ શિવાલિક રેસીડેન્સીના ફ્લેટમાં મોડી રાત્રે ત્રણ મિત્રો ભેગા થઈ મસ્તી કરી રહ્યા હતા ત્યારે દેશી તમંચામાંથી અચાનક ફાયરીંગ થતાં એક સગીરને ગોળી વાગી અને તે જમીન પર ઢળી પડ્યો, સગીરની હાલત હજુ નાજુક છે.
આરોપી સિદ્ધાર્થ ભૂમિહર અને રોહિત પ્રજાપતિએ ગભરાટમાં દેશી તમંચો કચરામાં ફેંકી દીધો હતો, જેની પોલીસ શોધખોળ કરી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે બંને યુવકોને રાઉન્ડઅપ કરી લીધા છે.
લાંભા વિસ્તારના શિવાલિક રેસીડેન્સીમાં રહેતા બેંક કર્મચારી સિદ્ધાર્થ ભૂમિહર ગઈકાલે ઘરે એકલા હતા. ઘરે કોઈ ન હોવાથી તેણે મિત્ર રોહિત પ્રજાપતિ અને એક સગીરને ઘરે બોલાવ્યા હતા. ત્રણેય મોડી રાત્રે મસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન સિદ્ધાર્થ પાસે રહેલી દેશી તમંચામાંથી અચાનક ફાયરિંગ થઈ ગયું, જેની ગોળી સીધી સગીરને વાગતાં તે જમીન પર ઢળી પડ્યો.
ગભરાઈ ગયેલા સિદ્ધાર્થ અને રોહિતે તુરંત જ સગીરના માતા-પિતાને જાણ કરી હતી. રાતના સન્નાટામાં ફાયરિંગનો અવાજ સાંભળીને સોસાયટીના રહીશો પણ બહાર દોડી આવ્યા હતા.
ઈજાગ્રસ્ત સગીરને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની હાલત હજુ નાજુક બની રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો.
પોલીસે ફાયરિંગ કરનારા બંને યુવકો સિદ્ધાર્થ ભુમિહર અને રોહિત પ્રજાપતિની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન બંનેએ ગુનો કબૂલ કર્યો અને સિદ્ધાર્થે જણાવ્યું કે, મસ્તી કરતી વખતે તેના હાથે અચાનક દેશી તમંચાનું ટ્રિગર દબાઈ ગયું હતું, જેના કારણે ગોળી સીધી સગીરને વાગી હતી. આરોપીઓએ ગભરાટમાં હથિયાર કચરાના ઢગલામાં ફેંકી દીધું હોવાનું પણ કબૂલ્યું છે, જેની પોલીસ હાલ શોધખોળ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ
