સોમનાથ,1 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથ વેરાવળ તાલુકાના કાજલી ગામના હિનાબહેન ચાવડા ડ્રાયફ્રૂટની અવનવી વાનગીઓ બનાવી ગુજરાતભરમાં તેની વેચાણ કરી લાખો રૂપિયાની કમાણી કરતા થયાં છે. આ ડ્રાયફ્રૂટનો ધંધો તેમના માટે ફ્રૂટફુલ (કસદાર અને કલદાર) બન્યો છે.
કોમ્પ્યુટર એન્જિનિયર એવા હિનાબહેન કોમ્પ્યુટરના કી-બોર્ડને છોડીને કલાઇના કસબથી મીઠાસભરી મીઠાઇ બનાવીને આજે અન્ય માટે પણ પ્રેરણારૂપ બન્યાં છે.
આ અંગે, હિનાબહેને જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સમાજમાં એવી માનસિકતા છે કે, વધુ ભણેલી દિકરી કઇ રીતે ધંધો કરશે કે તેના ભણતરથી નાના કામ કરશે. મે પણ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યા બાદ જ્યારે ડ્રાયફ્રૂટની વાનગીઓ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે મને સમાજના ઘણા લોકોએ ટોકી હતી કે, તારાથી આ કામ નહીં થાય. પરંતુ મને આજે ગર્વ છે કે, આ જ ધંધામાં હું રૂ.૧૦ લાખનો સિંગલ ઓર્ડર પણ મેળવી રહી છું.
તેમણે જણાવ્યું હતું કે, મને નાનપણથી કુકિંગનો બહુ શોખ હતો. ઘરે જ અવનવી વાનગીઓ બનાવતી હતી. પછી થયું કે, મારી આ આવડતનો ઉપયોગ કરી લોકોને પોષ્ટિક આહાર મળી રહે તેવી વાનગીઓ બનાવી તેમાંથી આવક મેળવવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ મથામણમાંથી અઢી વર્ષ પહેલા મેં સખી મંડળ વિશે જાણીને ૧૨ બહેનોનું એક જૂથ બનાવ્યું છે. જેમાં ગૃહિણી અને વિદ્યાર્થિનીઓ છે. આ જૂથનું નામ અમે ‘હિના મંગલમ્ જૂથ’ રાખ્યું છે. આ જૂથના નેજા હેઠળ અમે લાડુ, મીક્ષ ડ્રાયફ્રૂટ, પ્રોટીન પાવડર, મુખવાસ, ક્રેનબેરી પીસ્તા બાર, ચોકલેટ ડ્રાયફ્રૂટ, ફ્રૂટ સીડ્સ ગ્રેનોલા અને અંજિર ડ્રાયફ્રૂટ રોલ જેવી અનેક મીઠાઇઓ બનાવીને વિવિધ મેળાના માધ્યમથી વેચીએ છીએ.
હું અને મારી સખી મંડળની બહેનો દ્વારા ડ્રાયફ્રૂટની અવનવી વાનગી બનાવી તેનું સારી રીતે પેકીંગ કરી ઓનલાઇન અને ઓફલાઇન તેમજ રાજ્યભરના મેળાઓમાં તેનું વેચાણ પણ કરીએ છીએ.
તેમણે કહ્યું કે, ડ્રાયફ્રૂટના વેચાણ માટે અમે ‘સત્વ’ નામનું ઓનલાઇન પ્લેટફોર્મ પણ શરૂ કર્યું છે. જેના થકી પણ ઓર્ડર મળી રહ્યાં છે. ઓનલાઇન ઓર્ડર અને ઓનલાઇન ઓર્ડર સહિત દર મહિને અંદાજિત રુ.૩૦ થી ૪૦ હજારની આવક થઇ રહી છે.
તે ઉપરાંત, તહેવાર, સિઝન, મેળાઓમાં મહિને અંદાજિત રૂ.૫ લાખ જેવું વેચાણ થાય છે. અમને રાજ્યભરમાંથી ડ્રાયફ્રૂટની અવનવી વાનગીઓના ઓર્ડર મળે છે.
આજે હું આત્મનિર્ભર બની મારા પરિવારને મદદરૂપ બની છું. મારા થકી મારી સાથે અમારા ‘હિના મંગલમ જૂથ’ની બહેનો પણ આત્મનિર્ભર બની છે.
‘સરસ મેળા’માં અમને વિના મૂલ્યે સ્ટોલ ફાળવી સરકાર અમને મદદરૂપ બની છે તે માટે રાજ્ય સરકારનો આભાર માનીએ તેટલો ઓછો છે. તેઓ ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
