અમરેલી, 1 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ચિતલ નજીક આજે વહેલી સવારે એક ખાનગી મુસાફરી બસ પલટી જતા હાહાકાર મચી ગયો હતો. મળતી માહિતી મુજબ, કુકાવાવથી સુરત તરફ જતી નંદકિશોર ટ્રાવેલ્સની ખાનગી બસ વરસાદી વાતાવરણમાં રસ્તા પર સ્કિડ થતા પલટી ગઈ હતી. અકસ્માત એટલો અચાનક થયો કે બસમાં સવાર મુસાફરોમાં ચીસો-પોકાર મચી ગયા હતા.
સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ, વરસાદને કારણે રસ્તો ચીકણો બન્યો હતો. ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવતા બસ રોડની બાજુમાં ઉંધે પડી ગઈ. અકસ્માતની જાણ થતાં જ ચિતલ અને આસપાસના ગામોના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને બચાવકાર્ય શરૂ કર્યું. મુસાફરોને બસમાંથી બહાર કાઢી તાત્કાલિક મદદ પૂરી પાડવામાં આવી.
આ અકસ્માતમાં ત્રણ જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા નજીકના ચિતલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ મોટું જાનહાનિનું નુકસાન થયું નથી.
ઘટના સ્થળે પોલીસ દોડી આવી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. બાદમાં ક્રેનની મદદથી બસને રસ્તા પરથી હટાવવામાં આવી. વરસાદી માહોલને કારણે ટ્રાફિક ધીમી ગતિએ ચાલતો રહ્યો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ માર્ગ પર વરસાદી સિઝનમાં વારંવાર આવા અકસ્માતો બને છે. તેઓએ તંત્રને માર્ગની સ્થિતિ સુધારવાની અને જોખમી વળાંકો પર ચેતવણી બોર્ડ લગાવવાની માંગ કરી છે.
આ રીતે વરસાદી માહોલમાં થયેલા આ અકસ્માતે ફરી એકવાર સુરક્ષાની ચેતવણી આપી છે કે મુસાફરો અને ડ્રાઈવરો બંનેએ આવી પરિસ્થિતિમાં વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai
