પાટણ, 26 ઓક્ટોબર (હિ.સ.): પાટણ શહેરમાં જૈન સમાજે લાભ પાંચમના દિવસે ભક્તિભાવપૂર્વક જ્ઞાન પાંચમની ઉજવણી કરી હતી. પંચાસર દેરાસર નજીક આવેલા હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર ખાતે મોટી સંખ્યામાં જૈન અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાચીન ગ્રંથો, પુસ્તકો તેમજ સોનાના વરખથી લખાયેલી હસ્તપ્રતોના દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
જૈન ધર્મમાં જ્ઞાનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ દિવસે ગ્રંથ પૂજન કરવાની વર્ષો જૂની પરંપરા જાળવવામાં આવે છે. સવારથી જ અનેક શ્રાવકો હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારમાં પહોંચી ભક્તિપૂર્વક ગ્રંથોની પૂજા-અર્ચના કરી રહ્યા હતા. બાળકોને પણ આ ગ્રંથોની પૂજા કરાવવામાં આવી હતી જેથી સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે.
હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારની સ્થાપના 7 એપ્રિલ, 1939ના રોજ તત્કાલીન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન અને વિખ્યાત સાહિત્યકાર કનૈયાલાલ મુનશીના હસ્તે કરવામાં આવી હતી. મુનિ પુણ્યવિજયજી મહારાજના પ્રયાસોથી પાટણના 19 ગ્રંથ ભંડારોને એકત્રિત કરીને આ જ્ઞાન ભંડારમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. અહીં કુલ 26,000 હસ્તલિખિત ગ્રંથો સંગ્રહિત છે, જેમાં કાગળ, તાડપત્ર અને દુર્લભ હસ્તપ્રતોનો સમાવેશ થાય છે.
આ જ્ઞાન ભંડાર પાટણના ગૌરવ અને જ્ઞાનના અમૂલ્ય વારસાનું પ્રતિક છે. ગુજરાતમાં સોલંકી કાળને સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે. રાજા સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી પર ‘સિદ્ધહેમ’ વ્યાકરણ ગ્રંથની સવારી કાઢી હતી, ત્યારથી આ ભૂમિ પર જ્ઞાનની પૂજા થતી આવી છે. હિંદુ સંસ્કૃતિમાં કારતક સુદ પાંચમને લાભ પાંચમ તરીકે ઉજવાય છે, જ્યારે જૈન સમાજ આ દિવસને જ્ઞાન પાંચમ તરીકે મનાવે છે અને ગ્રંથ પૂજનની પવિત્ર પરંપરા નિષ્ઠાપૂર્વક જાળવી રાખે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ
