જામનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લાના જામ જોધપુર
પોલીસે બંધ મકાનોમાંથી ચોરી કરતી ઘાટવડ ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડી છે.
પોલીસે તેમની પાસેથી રૂ. 6.96 લાખથી વધુના સોનાના દાગીના જપ્ત કર્યા છે. આ
ગેંગે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં અનેક ઘરફોડ ચોરીઓ આચરી હોવાનું સામે
આવ્યું છે.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન
સૈનીની સૂચના અને મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ,
જામજોધપુર PI એ.એસ. રબારીએ દિવાળીના તહેવારો નિમિત્તે મિલકત સંબંધી ગુનાઓ
અટકાવવા અસરકારક પેટ્રોલિંગ અને તપાસના આદેશ આપ્યા હતા.આ અંતર્ગત, પોલીસ
સ્ટાફના એ.એસ.આઇ. રાજુભાઇ, જીજ્ઞેશગીરી દેવેન્દ્રગીરી, સુરેશભાઇ રામજીભાઇ,
કુણાલભાઇ ઘનશ્યામભાઇ, અશોકભાઇ બાબુભાઇ અને હર્ષપાલસિંહ જોરુભાએ મોટી ગોપ
ગામે થયેલી વણશોધાયેલ ઘરફોડ ચોરીની તપાસ હાથ ધરી હતી.
ત્યારે સી.સી.ટી.વી.
ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે પોલીસને બાતમી મળી હતી
કે ચોરી થયેલું સોનું વેચવા માટે આરોપીઓ જામજોધપુર આવ્યા છે.આ બાતમીના
આધારે, જામજોધપુરના ગાંધી ચોક વિસ્તારમાંથી જ્વેલર્સની દુકાન પાસેથી
આરોપીઓને ચોરીના દાગીના સાથે પકડી પાડવામાં આવ્યા હતા. PSI એચ.બી. વડાવીયાએ
કાર્યવાહી કરી રૂ. 3,17,940ના સોનાના દાગીના જપ્ત કર્યા હતા.પકડાયેલા ચાર
આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓ અને તેમના અન્ય
સાથીદારોએ આણંદ, મોરબી, બોટાદ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર અને
ગીર સોમનાથ જેવા અલગ-અલગ જિલ્લાઓમાં ચોરી, ઘરફોડ ચોરી અને પ્રોહિબિશનના
ગુનાઓ આચર્યા હતા.
વધુમાં, આરોપીઓ હિતેશ દિલીપભાઇ ચૌહાણ અને આતિષ
ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદરુ રાઠોડે રાણાવાવ વિસ્તારમાં પણ ઘરફોડ ચોરી
કરી હોવાની કબૂલાત કરી હતી. તેમણે ચોરી કરેલા સોનાના દાગીના જામજોધપુર
પોલીસ સ્ટેશનની હદમાં પાટણ ગોલાઇ પાછળ અવાવરુ જગ્યાએ ઝાડી-ઝાંખરામાં ખાડો
કરીને સંતાડ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ કબૂલાતના આધારે તપાસ કરતા
રાણાવાવ પોલીસ સ્ટેશનનો વણશોધાયેલ ગુનો પણ ઉકેલી કાઢ્યો અને રૂ. 3,78,700ના
સોનાના દાગીના જપ્ત કર્યા. આમ, પોલીસે કુલ રૂ. 6,96,940ના સોનાના દાગીનાનો
મુદ્દામાલ કબજે કર્યો છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt
