સોમનાથ,6 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના ઓગણીસમા(૧૯) યુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ 7 ઓકટોબર ના મંગળવારે યુનિવર્સિટી પરિસરમાં યોજાશે. ઓગણીસમા યુવક મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં યોજાનાર કાર્યક્રમોની યાદી નીચે મુજબ છે.
(૧) ૧૯મો યુવક મહોત્સવ – કુલ ૪૫ જેટલી સ્પર્ધાઓનું આયોજન થનાર છે, જેમાં ૧૪ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ચિત્ર તથા ૩૧ રમત ગમત સ્પર્ધાઓ યોજાશે. આ યુવક મહોત્સવમાં રાજ્યભરની ૩૬ સંસ્કૃત કોલેજોના ૭૫૦થી વધારે સ્પર્ધકો ભાગ લેશે.
(૨) પુસ્તક વિમોચન – યુનિવર્સિટીના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તકનું મંચસ્થ મહાનુભાવોનાં હસ્તે વિમોચન કરવામાં આવશે.
(૩) સંસ્કૃત શોભાયાત્રા – તા.૦૭-૧૦-૨૦૨૫ મંગળવારના રોજ સવારે ૯:૦૦ કલાકે ટાવર ચોક, વેરાવળથી યુનિવર્સિટી સુધી એક સુંદર સંસ્કૃત શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. યુનિવર્સિટીના પદાધિકારીઓ, રાજ્યભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકો, અધ્યાપકો/આચાર્યો અને યુનિવર્સિટી કર્મચારીગણ આ યાત્રામાં ભાગ લેશે.
આ સમારોહમાં ઉદ્ઘાટકરૂપે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના કુલપતિ પ્રો.ટી.એસ.જોષી, મુખ્ય-અતિથિ તરીકે પંચતત્ત્વ ફાઉન્ડેશનના સંસ્થાપિકા અને વોટર વુમન તરીકે વિખ્યાત શિપ્રા પાઠક ઉપસ્થિત રહેશે. વિશિષ્ટ અતિથિરૂપે ગીર-સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ.સંજય પરમાર ઉપસ્થિત રહેશે. અધ્યક્ષરૂપે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ તેમજ અત્રેની યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરા આમંત્રકરૂપે ઉપસ્થિત રહેશે.
૧૯મા યુવક મહોત્સવમાં ડૉ.બી.ઉમા મહેશ્વરી, ડૉ.જીગર ભટ્ટ, ડૉ.જયેશ મુંગરા અને રવીન્દ્ર કાળે સંયોજક તરીકે કામગીરી કરી રહ્યા છે. યુનિવર્સિટી તરફથી સૌ નગરજનો તથા આમંત્રિતોને ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
