વડોદરા, 20 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા શહેરમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે આજે અકોટા બ્રિજથી સોલર પેનલ યોગ સર્કલ સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વિવિધ ક્ષેત્રના 1000થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત અકોટા બ્રિજ પરથી કરવામાં આવી હતી, જ્યાં પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું.
રેલીનો મુખ્ય હેતુ શહેરના નાગરિકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા, હેલ્મેટ તથા સીટબેલ્ટના ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો હતો. આજકાલ વધતી વાહનવ્યવહારની સમસ્યાઓ અને માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થવાને કારણે ટ્રાફિક સલામતી અત્યંત અગત્યનું વિષય બની ગયું છે. આવા સમયમાં આ પ્રકારની જાગૃતિ રેલી દ્વારા યુવાનોને તેમજ સમાજના તમામ વર્ગોને સુરક્ષિત વાહન ચલાવવાની પ્રેરણા આપવામાં આવી રહી છે.
રેલીમાં ભાગ લેનારાઓએ હેલ્મેટ પહેરીને અને નિયમિત ગતિએ બાઇક હંકારીને સારો સંદેશ આપ્યો હતો. કેટલાક બાઇકર્સે “સેફ ડ્રાઇવ, સેવ લાઇફ” અને “હેલ્મેટ ઇઝ લાઇફ” જેવા સૂત્રો લખેલા પ્લેકાર્ડ સાથે લોકોને સંબોધ્યા હતા. વડોદરા પોલીસ વિભાગ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના સ્વયંસેવકો પણ આ રેલીમાં જોડાયા હતા.
યોગ સર્કલ ખાતે રેલી પૂર્ણ થતાં ટ્રાફિક વિભાગના અધિકારીઓએ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે માર્ગ સલામતી માત્ર કાયદો નથી પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. નાના નિયમોનું પાલન જીવન બચાવી શકે છે. કાર્યક્રમના અંતે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે દરેક વ્યક્તિ નિયમોનું પાલન કરશે અને અન્ય લોકોને પણ તે માટે પ્રેરિત કરશે. આ રીતે વડોદરા શહેરમાં યોજાયેલી આ બાઇક રેલી માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ માર્ગ સલામતી માટેના મહત્વપૂર્ણ અભિયાન રૂપ સાબિત થઈ.
—————
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya
