નવી દિલ્હી, 20 ઓગસ્ટ (હિ.સ.) સુપરસ્ટાર રજનીકાંતની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કુલી’ સ્વતંત્રતા દિવસના અવસરે સિનેમાઘરોમાં આવી અને રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હવે ફિલ્મના છઠ્ઠા દિવસની કમાણીના આંકડા પણ બહાર આવ્યા છે, જે તેની સફળતાનો પુરાવો છે.
બોક્સ ઓફિસ ટ્રેકિંગ પોર્ટલ સૈકાનિલ્કના અહેવાલ મુજબ, રજનીકાંતની ફિલ્મ ‘કુલી’ એ, રિલીઝના છઠ્ઠા દિવસે એટલે કે પહેલા મંગળવારે લગભગ 9.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે, ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 216 કરોડ રૂપિયા થઈ ગયું છે. નોંધનીય છે કે ફિલ્મે પહેલા દિવસે જ 65 કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ કરી હતી. લગભગ 400 કરોડ રૂપિયાના ભવ્ય બજેટમાં બનેલી આ ફિલ્મ હાલમાં બોક્સ ઓફિસ પર ‘વોર 2’ જેવી મોટી ફિલ્મ સાથે સ્પર્ધા કરી રહી છે.
‘કૂલી’નું દિગ્દર્શન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા લોકેશ કનાગરાજ દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ ‘લિયો’ અને ‘માસ્ટર’ જેવી હિટ ફિલ્મો માટે જાણીતા છે. આ ફિલ્મ રજનીકાંત અને લોકેશ કનાગરાજને પહેલી વાર એકસાથે લાવે છે. આમાં રજનીકાંત દેવાનું શક્તિશાળી પાત્ર ભજવ્યું છે. થલાઈવાની જબરદસ્ત એક્શન અને સ્ટાઇલ દર્શકોને પસંદ આવી રહી છે અને ચાહકો ફરી એકવાર તેમના દિવાના બની ગયા છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ ખૂબ જ ખાસ છે, જેમાં નાગાર્જુન અક્કીનેની, શ્રુતિ હાસન, સૌબિન શાહિર, ઉપેન્દ્ર, આમિર ખાન, સત્યરાજ અને રચિતા રામ જેવા મોટા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળે છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
