વડોદરા, 20 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના માર્ગદર્શન હેઠળ ડભોઇ વિધાનસભાનો “શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ-૨૦૨૫” ભવ્ય રીતે શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ સંગઠનને વધુ મજબૂત બનાવવો અને કાર્યકર્તાઓને નવી દિશામાં પ્રેરિત કરવાનો હતો. પ્રશિક્ષણ વર્ગની શરૂઆત કાર્યક્રમના મુખ્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી, જેમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિએ કાર્યકર્તાઓને સંગઠનના વિસ્તરણ સાથે સાથે લોકો સુધી પક્ષની નીતિઓ પહોંચાડવા પર ભાર મૂક્યો.
ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંત પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભાજપ માત્ર રાજકીય પક્ષ નથી, પરંતુ સેવા અને વિકાસના માર્ગે અગ્રેસર એક પરિવાર છે. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલે કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે શક્તિકેન્દ્ર સંયોજકો જ પક્ષની મૂળભૂત કડી છે, જે ગામડાં અને શહેરના દરેક ખૂણે સંગઠનને મજબૂત બનાવે છે.
પ્રશિક્ષણ વર્ગમાં મુખ્ય વક્તા કુણાલભાઈ જોષીએ કાર્યકર્તાઓને સંગઠનના માળખા, શક્તિકેન્દ્રની જવાબદારીઓ, તથા આગામી ચૂંટણીની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજના યુગમાં જનસંપર્ક અને ડિજિટલ માધ્યમોનો અસરકારક ઉપયોગ ખૂબ જ જરૂરી છે.
આ પ્રસંગે ડભોઇ નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તથા તાલુકાના શક્તિકેન્દ્ર સંયોજકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન સૌએ સંકલ્પ કર્યો કે આવનારા સમયમાં ભાજપને વધુ મજબૂત બનાવી, વિકાસના નવા અધ્યાય લખવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપશે. પ્રશિક્ષણ વર્ગ ઉત્સાહભેર તથા શિસ્તબદ્ધ વાતાવરણમાં યોજાયો હતો, જેમાં કાર્યકર્તાઓએ મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવી સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ ગાઢ બનાવી.
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya
