જમ્મુ, નવી દિલ્હી : સુરક્ષા દળોએ જમ્મુ વિભાગના ઉધમપુર જિલ્લામાં એક ગ્રામ રક્ષકની હત્યામાં સામેલ આતંકવાદીઓના બે જૂથોને શોધી કાઢવા માટે, સર્ચ ઓપરેશનનો વિસ્તાર કઠુઆ જિલ્લા સુધી વિસ્તાર્યો છે. બુધવારે ચોથા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
રવિવારે સવારે ચોચરુ ગાલા હાઇટ્સના દૂરના પનારા ગામમાં આતંકવાદીઓ સાથેની એક સંક્ષિપ્ત અથડામણમાં, એક ગ્રામ સંરક્ષણ ગાર્ડ (વીડીજી) માર્યો ગયો. જેના પગલે પોલીસ, સેના અને સીઆરપીએફએ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અધિકારીઓએ જણાવ્યું કે, ઉધમપુર અને કઠુઆ જિલ્લાના બસંતગઢ, બાની અને સેજ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન બુધવારે ચોથા દિવસે પણ ચાલુ રહ્યું.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ નજીકના કઠુઆ જિલ્લામાંથી બસંતગઢ પહોંચ્યા પછી ચેનાબ ખીણ તરફ જઈ રહ્યા હતા, જ્યારે તેઓ પોલીસ અને વીડીજી સભ્યો સાથે અથડાયા, ત્યારે સરહદ પારથી આ બાજુ ઘૂસવામાં સફળ થયા હતા. હવે એક જૂથની હિલચાલ ઉધમપુર જિલ્લાના ઉપરના વિસ્તારોમાં જોવા મળી રહી છે, જ્યારે અન્ય જૂથ કઠુઆ જિલ્લાના બાની, ડગ્ગર અને કિંડલી વિસ્તાર તરફ આગળ વધતું જોવા મળ્યું છે. ઉધમપુરના આલૂ ટોપ અને સેજના ગીચ જંગલ વિસ્તારમાંથી એક જૂથની પ્રવૃત્તિ જોવા મળી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉધમપુર અને કઠુઆ વચ્ચેના ઊંચાઈવાળા જંગલ વિસ્તારમાં કોર્ડનને મજબૂત કરવા માટે આ વિસ્તારોમાં વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
અધિક પોલીસ મહાનિર્દેશક (જમ્મુ પ્રદેશ) આનંદ જૈને જણાવ્યું હતું કે, આ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે જેથી આતંકવાદીઓને પકડવા અને તેને નિષ્ક્રિય કરવાના પ્રયાસો વધુ સઘન બનાવવા ઉપરાંત હેલિકોપ્ટર, યુએવી અને ડ્રોનનો ઉપયોગ સર્વેલન્સ માટે કરવામાં આવે. તેમણે કહ્યું કે, ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ બંને જૂથોમાં ચારથી છ આતંકવાદીઓ હાજર છે અને સુરક્ષા દળો તેમને ખતમ કરવા માટે વિવિધ ઈનપુટ્સ પર કામ કરી રહ્યા છે.
