મુંબઈ, નવી દિલ્હી,. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના નેતા એકનાથ ખડસે, ટૂંક સમયમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. તેમણે પોતે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, તેઓ જૂના કાર્યકરોની વિનંતીને કારણે ભાજપમાં આવી રહ્યા છે.
એકનાથ ખડસેએ રવિવારે પત્રકારોને જણાવ્યું હતું કે, છેલ્લા ચાર-છ મહિનાથી ભાજપમાં જોડાવાની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હું મારી રાજકીય પરિસ્થિતિ અનુસાર નિર્ણય લઈ શક્યો નથી. હવે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ હું નિર્ધારિત તારીખે દિલ્હી જઈશ અને ભાજપમાં જોડાઈશ.
એકનાથ ખડસે, 30 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા પછી 23 ઓક્ટોબર, 2020 ના રોજ એનસીપી માં જોડાયા હતા. આંતરિક વિવાદ, ભોસરી પ્લોટ કૌભાંડ, દેવેન્દ્ર ફડણવીસ સાથે મતભેદ જેવા અનેક મુદ્દાઓને કારણે તેમણે પાર્ટી છોડી દીધી હતી. 2020 માં એનસીપીમાં જોડાયા પછી, તેમને તરત જ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ શિવસેના અને એનસીપીમાં બળવો થયા પછી, એકનાથ ખડસે અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા.
એકનાથ ખડસે, તાજેતરમાં દિલ્હી ગયા હતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. ત્યાંથી લીલી ઝંડી મળ્યા બાદ એકનાથ ખડસેએ કહ્યું કે, હાઈકમાન્ડ દ્વારા તેમને બોલાવવામાં આવતા જ તેઓ દિલ્હી જશે અને ભાજપમાં જોડાઈ જશે.
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે ખડસે ભાજપના જૂના નેતા છે. જો તેઓ પાર્ટીમાં આવશે તો તેમનું સ્વાગત કરવામાં આવશે.
