શ્રીનગર, નવી દિલ્હી, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગના વાનપોહ-સંગમ વિભાગ પર બિજબિહાડામાં ઇમરજન્સી એરસ્ટ્રીપ પર, સોમવારે રાત્રે ફાઇટર એરક્રાફ્ટનું લેન્ડિંગ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. જેના કારણે સોમવારે સવારે 4 વાગ્યાથી, મંગળવારે સવારે 7 વાગ્યા સુધી હાઇવે પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બિજબિહાડા ખાતે ઈમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપ પર, આજે રાત્રે ટ્રાયલ રનનું આયોજન કરવામાં આવ્યું છે. સુખોઈ ફાઈટર એરક્રાફ્ટ અને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ આ ટેસ્ટમાં ભાગ લે તેવી શક્યતા છે. દરમિયાન, ટ્રાફિક વિભાગે એક એડવાઈઝરી જારી કરી છે કે, બિજબિહાડા નજીકના એરસ્ટ્રીપ વિભાગના તાત્કાલિક સમારકામ અને અપગ્રેડેશનને ધ્યાનમાં રાખીને સોમવારે સવારે 4 વાગ્યાથી મંગળવાર સવારે 7 વાગ્યા સુધી, હાઈવે પર કોઈ ભારે મોટર વાહનો (એચએમવી) ને મંજૂરી આપવામાં આવશે નહીં.
એક અધિકારીએ જણાવ્યું કે, 3.5 કિમીની ઇમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપ પર કામ 2020માં શરૂ કરવામાં આવ્યું હતું અને ગયા વર્ષના અંતમાં પૂર્ણ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને લોકો વિસ્તારની નજીક ન જાય તેની ખાતરી કરવા માટે વધારાના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
બિજબિહાડા ઈમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપને બાયપાસ કરવા હાઈવે પરનો ટ્રાફિક વાનપોહથી સંગમ તરફ વાળવામાં આવ્યો છે. આ પટ્ટીનો ઉપયોગ યુદ્ધ અથવા કુદરતી આફતોના કિસ્સામાં ફાઇટર એરક્રાફ્ટના ઉતરાણ માટે થઈ શકે છે, જેમાં મોટા પાયે સંસાધનોની એકત્રીકરણની જરૂર પડે છે.
