નવી દિલ્હી, કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યુસી)ની મંગળવારે અહીં પાર્ટી હેડક્વાર્ટર ખાતે બેઠક મળી હતી. જેમાં પાર્ટીના ઘોષણાપત્ર અને પાંચ ન્યાય સંબંધિત 25 ગેરંટીની ચર્ચા કરવામાં આવી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ, ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, 1926થી દેશના રાજકીય ઈતિહાસમાં કોંગ્રેસના ઘોષણાપત્રને ‘વિશ્વાસ અને પ્રતિબદ્ધતાનો દસ્તાવેજ’ માનવામાં આવે છે. દેશ પરિવર્તન ઈચ્છે છે. વર્તમાન મોદી સરકારની ગેરંટી 2004માં બીજેપીના ‘ઈન્ડિયા શાઈનિંગ’ સ્લોગનની જેમ જ ભાવિને મળશે. આ માટે દરેક ગામ અને શહેરમાં કાર્યકરોએ ઉભા રહેવું પડશે. તમારે ઘોષણાપત્ર દરેક ઘરે પહોંચાડવાનું રહેશે.
તેમણે કહ્યું કે, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીએ ઘોષણાપત્ર પર ઉંડાણપૂર્વક ચર્ચા કરી. ભારત જોડો ન્યાય યાત્રાના 5 સ્તંભો – ખેડૂત ન્યાય, યુવા ન્યાય, મહિલા ન્યાય, શ્રમ ન્યાય અને ભાગીદારી ન્યાય દરેકમાં 5 ગેરંટી છે. ન્યાયના દરેક સ્તંભ હેઠળ 5 ગેરંટી મુજબ કોંગ્રેસ પાર્ટીએ કુલ 25 ગેરંટી આપી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધી, નેતા રાહુલ ગાંધી અને કાર્યકારી સમિતિના સભ્યોએ સીડબ્લ્યુસીની બેઠકમાં હાજરી આપી હતી.
બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, સીડબ્લ્યુસી એ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને, ઘોષણાપત્રને અંતિમ મંજૂરી આપવા માટે અધિકૃત કર્યા છે. તેને જાહેર કરવાની તારીખ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. ભારત જોડો ન્યાય યાત્રાની ગતિને આગળ વધારતા, સીડબ્લ્યુસી એ ગેરંટીનો આ સંદેશ પાયાના સ્તર સુધી પહોંચાડવા માટે એક યોજના તૈયાર કરી છે.
