વડોદરા/અમદાવાદ, વડોદરા શહેર જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ની શનિવારે જાહેરાત થવાની સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બિજલ શાહના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર જિલ્લામાં સમાવિષ્ટ વડોદરા,છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા વિભાગના વિધાનસભા મતવિસ્તારોમાં આદર્શ આચારસંહિતાના અસરકારક અમલીકરણ માટે વડોદરા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.આ ઉપરાંત શહેર જિલ્લાના 10 વિધાનસભા મત વિભાગદીઠ નોડલ અને મદદનીશ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.શનિવારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ટીમો દ્વારા રાજકીય પક્ષોની પ્રચારાત્મક સામગ્રી હટાવી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે જણાવ્યું હતું.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે જણાવ્યું હતું કે શહેર જિલ્લાની જાહેર મિલકતો પરથી 748 દિવાલો પરના લખાણો, 385 પોસ્ટર્સ તથા 232 બેનર્સ તેમજ 675 જેટલી અન્ય પ્રચારાત્મક સામગ્રી સહિત કુલ 2040 જ્યારે ખાનગી મિલકતો પરથી 307 દિવાલ પરના લખાણો, 357 પોસ્ટર્સ, 17 બેનર્સ અને 253 અન્ય 934 સહિત કુલ 2974 જેટલી રાજકીય પક્ષોની પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે.
વડોદરા શહેર જિલ્લાની જાહેર તથા ખાનગી ઈમારતો પરથી રાજકીય પક્ષોના પોસ્ટર્સ, બેનર્સ, ભીંત પરના લખાણો સહિત અન્ય પ્રચારાત્મક હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેર જિલ્લામાંથી અત્યાર સુધીમાં 2974 થી વધુ પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે.
