– મેળાના છેલ્લા દિવસે સાધુ-સંતોએ ટ્રેક્ટરમાં બેસી રવેડી કાઢી, નાગા સાધુઓના અવનવા કરતબો કર્યા
જૂનાગઢ/અમદાવાદ, જૂનાગઢના ભવનાથમાં ચાલી રહેલ મહાશિવરાત્રિની
ગઈકાલે ભવનાથમાં મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ મહાશિવરાત્રિ મેળો પૂર્ણ થયો. ભવનાથના મહાશિવરાત્રિ મેળાના અંતિમ દિવસે લાખો ભાવિકો ઉમટી પડયા હતા. મેળાના અંતિમ દિવસે રાતે સાધુઓની રવેડી કાઢવામાં આવી હતી, જેને પગલે ભવનાથ રૂટ પર બેરીકેડ બાંધી દેવામાં આવ્યાં હતાં. રાત્રીના ભવનાથ તળેટીમાં સાધુ સંતોની પરંપરાગત રવેડી જોવા માટે ભાવિકોએ કલાકો સુધી રાહ જોઈ હતી. દેશ-વિદેશથી આવેલા સાધુ-સંતોએ ટ્રેક્ટરમાં બેસી ‘મહાદેવ હર’ના નાદ સાથે રવેડી કાઢી હતી. જેમાં નાગા સાધુઓએ અવનવા કરતબો કર્યા હતા. જેને જોઈ લોકો મંત્રમુગ્ધ થયા હતા. મેળામાં આવેલા ભાવિકોએ સાધુઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.પરંપરાગત રીતે યોજાતો શિવરાત્રિ મેળો રવેડી બાદ પૂર્ણ થાય છે.
રવેડી પૂરી થયા બાદ સાધુ સંતોએ મૃગીકુંડમાં સ્નાન કરી ભવનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. ‘હર હર મહાદેવ’ના નાદથી ભવનાથ શિવમય બન્યું હતું. સાધુ-સંતો અને ભાવિકોની ભીડ વચ્ચે પાંચ દિવસથી ચાલતો મહાશિવરાત્રિનો મેળો મોડી રાત્રે પૂર્ણ થયો હતો. મોડીરાત સુધી લોકોનો પ્રવાહ તળેટીથી શહેર તરફ વહેતો રહ્યો હતો.
અંતિમ દિવસે લાખો લોકોની ભીડથી તળેટીમાં પગ મુકવાની જગ્યા ન હતી. ભવનાથ રવેડીમાં દિગમ્બર સાધુ સંતોના કરતબ નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા.ભવનાથમાં મહાશિવરાત્રિ મેળાના અંતિમ દિવસે સવારથી જ ભાવિકોનો અવિરત પ્રવાહ તળેટી તરફ વહેતો રહ્યો હતો. લોકોએ ભવનાથ તળેટીમાં પહોંચી મહાદેવના મંદિરે દર્શન કરી અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ તેમજ મહાશિવરાત્રિ નિમિતે જેણે ઉપવાસ કર્યો હતો, તેઓએ ફરાળ ગ્રહણ કર્યું હતું. ગઈકાલે શિવરાત્રિ હોવાથી ભવનાથ મંદિરે મહાદેવને વિશેષ શણગાર કરવામા આવ્યો હતો. આ ઉપરાંત આશ્રમો તેમજ જગ્યાઓમાં ભાંગની પ્રસાદી આપવામાં આવી હતી.
જૂનાગઢમાં શ્રી પંચ દશનામ જુના અખાડા ખાતેથી રવેડીનો પ્રારંભ થયો હતો. આ વર્ષે રવેડીમાં બગીઓને પ્રવેશબંધી હતી. જેને લઈ તમામ અખાડાઓના સાધુ સંતોની શાહી સવારી ટ્રેક્ટરોમાં કાઢવામાં આવી હતી. જુના અખાડાના આરાધ્યદેવ દત્તાત્રેય ભગવાન, આવાહન અખાડાના ભગવાન ગણેશજી અને અગ્નિ અખાડાના આરાધ્યદેવ ગાયત્રીમાતાજીની પાલખી જોડાઈ હતી. આ ઉપરાંત મહામંડલેશ્વરો, તેમજ અન્ય અખાડાના સાધુ-સંતો, દિગમ્બર સાધુઓ રવેડીમાં જોડાયા હતા. વાજતે ગાજતે યોજાયેલી રવેડીમાં દિગમ્બર સાધુઓએ લાઠીદાવ, અંગકસરત તેમજ તલવારબાજી જેવા કરતબ રજૂ કર્યા હતા. જેને નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા.
