– સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને અસરકર્તા પ્રશ્નોના નિરાકરણ માટે ઉદ્યોગકારો સાથે કરાઈ તલસ્પર્શી ચર્ચા
– પ્રદૂષણ નિયંત્રણ અર્થે કાર્યરત વિવિધ ઔદ્યોગિક એકમોની ઈકો ફ્રેન્ડલી ટેકનોલોજી વિશે માહિતગાર કરતું પ્રદર્શન યોજાયું
રાજકોટ/અમદાવાદ,માર્ચ : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શાપર ખાતે ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણની જાળવણી સુચારુ રૂપે થઈ શકે તે માટે પ્રવાસન, વન અને પર્યાવરણ કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુ બેરાના અધ્યક્ષ સ્થાને ઉદ્યોગ જગતના પ્રશ્નોના નિવારણ માટે ઓપન હાઉસ, પ્રદર્શન તથા સંતુલિત વિકાસ વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ દરેક વ્યક્તિના કલ્યાણ હેતુ અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. ઉદ્યોગ જગતના દરેક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે એક મંચ ઉપર ચર્ચા અને સંવાદ થાય તે હેતુ ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઉમદા કામગીરી અંગે મંત્રીએ રાજીપો વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, GPCB બોર્ડ દ્વારા ઉદ્યોગકારોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય, તેની કાળજી રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. આજે આપણે સૌ સાક્ષી છીએ કે, વડાપ્રધાન દ્વારા વર્ષ 2003માં વાઈબ્રન્ટ સમિટના બીજ રોપવામાં આવ્યા હતા જે આજે વટવૃક્ષ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024માં સફળતાપૂર્વક 10મી વાઈબ્રન્ટ સમિટ પૂર્ણ કરવામાં આવી છે.
પર્યાવરણના જતન સાથે ટકાઉ વિકાસ અંગેની વાત કરતા તેમણે કહ્યું હતું કે, ઔદ્યોગીકરણની આડ અસરના કારણે હવાના પ્રદૂષણમાં વધારો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા હવા પ્રદૂષણ નિયંત્રણ માટે NCAP (National Clear Air Project) લોન્ચ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાને છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 83.1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાંથી આશરે રૂ.63.95 કરોડ જેટલી રકમનો ઉપયોગ રાજકોટ શહેરમાં પાર્કીંગ, ગાર્ડનીંગ, રોડ – રીપેરીંગ, ખુલ્લી ફૂટપાથને પેવાર બ્લોકથી કવર કરવા તથા વૃક્ષારોપણ માટે કરવામાં આવ્યો છે. જેના પરિણામે રાજકોટ શહેરના AQI (Air Quality Index) માં વર્ષ 2020-21ની
સરખામણીમાં વર્ષ 2022-23માં 15.30% નો ઘટાડો જોવા મળ્યો છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા 20 વર્ષમાં ઔદ્યોગિક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. રાજકોટ ઓટો પાર્ટસ ઉદ્યોગનું હબ બન્યું છે. મોરબીના સીરામીક ઉદ્યોગે વિશ્વ કક્ષાએ નામના મેળવેલ છે, સુરેન્દ્રનગરમાં સ્ટોન ક્રશર ઉદ્યોગ, પોરબંદરમાં માઈનીંગ ઉદ્યોગ, જેતપુરમાં સાડી ઉદ્યોગ સહિત સૌરાષ્ટ્રમાં અનેક ઉદ્યોગો વિકાસ પામ્યા છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું. સરકાર ઉદ્યોગો જગતને પ્રોત્સાહન આપી રહી છે, સ્થાનિક લોકો માટે રોજગારીની તકોના સર્જનની સાથોસાથ કુદરતી સંપદાઓના જતન માટે પણ સરકાર પ્રતિબધ્ધ છે. સહુના સહિયારા પ્રયાસથી સકારાત્મક પરિવર્તન સાથે સૌના સાથ, સૌના વિકાસના સુત્રને સફળ કરવા મંત્રીએ અપીલ કરી હતી.
