
સુરત,02 ફેબ્રુઆરી : મધ્યપ્રદેશના ખરગોનના ચોલીગામના વતની અને સુરતમાં સચીન નજીક પારડી બાપા સીતારામ મીલની પાછળ શિવનગર સોસાયટી ઘર નં.13,14 માં રહેતા 68 વર્ષીય નિવૃત્ત મંશારામ રઘુનાથ હીરવાણી ગત 12 ડિસેમ્બરના રોજ પત્ની સીમાબેન સાથે વતનમાં ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા ગયા હતા.27 જાન્યુઆરીના રોજ વતનથી બસમાં બેસી 28 મી એ સવારે છ વાગ્યે તેઓ સરદાર માર્કેટ પાસે ઉતરી સ્મીમેર હોસ્પિટલ નજીક પહોંચી રીક્ષાની રાહ જોતા હતા ત્યારે એક રીક્ષા ચાલક ત્યાં આવ્યો હતો.રીક્ષા ચાલકે સચીન જવા રૂ.100 ભાડું નક્કી કરી પાછળની સીટ પર અન્ય બે પુરુષ મુસાફર સાથે સીમાબેનને બેસાડયા હતા.જયારે આગળ તેની બાજુમાં એક તરફ પહેલેથી જ મુસાફર બેસેલો હતો.જયારે બીજી તરફ તેણે મંશારામને બેસાડયા હતા.તે સમયે સીમાબેને નાની બેગ જમણા ખભે લટકાવી હતી.
થોડે દૂર ગયા બાદ ચાલક અને તેની બાજુમાં બેસેલા મુસાફરે બેસતા ફાવતું નથી કહી મંશારામને પાછળ બેસાડયા હતા.થોડે આગળ જતા રીંગરોડ રાઠી પેલેસ પાસે ચાલકે અમારે ઉધના સ્ટેશન જવું છે.સચીન જવું નથી.તમને અહીંથી રીક્ષા કે બસ મળી જશે કહી ઉતારી દીધા હતા અને ભાડું લીધા વિના ચાલ્યો ગયો હતો.બીજી રીક્ષા કરી ઘરે પહોંચી ફ્રેશ થઈ સીમાબેને ખભે જે બેગ લટકાવી હતી તે તપાસી તો તેમાંથી રૂ.30 હજારની મત્તાની સોનાની ચેઇન અને રોકડા રૂ.20 હજાર ગાયબ હતા.આ અંગે મંશારામે ગતરોજ રીક્ષા ચાલક અને ત્રણ સાગરીતો વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ(1 ફેબ્રુઆરી 2024) નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
