નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે, માર્ગ સલામતી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને 2030 સુધીમાં અકસ્માત મૃત્યુમાં 50 ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે.
‘સડક સુરક્ષા – ભારતીય સડકો @2030 – સુરક્ષા વધારવા’ પર, ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઈઆઈ) નેશનલ કોન્ક્લેવને સંબોધતા ગડકરીએ કહ્યું કે, ‘ સડક સુરક્ષા ના 4-ઈ’ – એન્જિનિયરિંગ (સડક અને વાહન એન્જિનિયરિંગ) – પ્રવર્તન- શિક્ષણ અને આપત્કાલીન તબીબી સેવાઓને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વર્તન પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે માર્ગ સલામતી વધારવા માટે તમામ હિતધારકોના સહકાર પર ભાર મૂક્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, માર્ગ અકસ્માત 2022ના તાજેતરના અહેવાલ મુજબ, 4.6 લાખ માર્ગ અકસ્માતો, 1.68 લાખ મૃત્યુ અને 4 લાખ ગંભીર ઈજાઓ થઈ છે. તેમણે કહ્યું કે, દર કલાકે 53 માર્ગ અકસ્માતો અને 19 મૃત્યુ થાય છે.
ગડકરીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોમાં 12 ટકાનો વધારો થયો છે, માર્ગ અકસ્માતોમાં મૃત્યુમાં 10 ટકાનો વધારો થયો છે, જેના પરિણામે જીડીપીને 3.14 ટકાનું સામાજિક-આર્થિક નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, 60 ટકા મૃત્યુ 18 થી 35 વર્ષની વયજૂથમાં થાય છે. તેમણે કહ્યું હતું કે, અકસ્માતમાં મૃત્યુ એ પરિવાર માટે કમાણીની ખોટ છે, એમ્પ્લોયર માટે વ્યાવસાયિક નુકસાન અને અર્થતંત્ર માટે સંપૂર્ણ નુકસાન છે.
ગડકરીએ જણાવ્યું હતું કે, નાગપુરમાં નાગરિકો વચ્ચે સારી ટ્રાફિક વર્તણૂક માટે પુરસ્કારોની સિસ્ટમના સકારાત્મક પરિણામો આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ ડ્રાઇવરોની નિયમિત આંખની તપાસ પર ભાર મૂક્યો અને સંસ્થાઓને તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે મફત શિબિરોનું આયોજન કરવા કહ્યું. તેમણે કહ્યું કે, શાળાઓ, કોલેજોમાં શિક્ષણ અને જાગૃતિ, એનજીઓ, સ્ટાર્ટ-અપ્સ, ટેક્નોલોજી પ્રદાતાઓ, આઈઆઈટી, યુનિવર્સિટીઓ, ટ્રાફિક અને હાઇવે ઓથોરિટીઓ સાથે સહયોગ એ માર્ગ સલામતી માટે સારી પ્રથાઓ ફેલાવવાનો માર્ગ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / દધીબલ / ડો. હિતેશ /માધવી
