અયોધ્યા, નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.) શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ અને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયે સોમવારે જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત પૂજા વિધિ 16 જાન્યુઆરીથી શરૂ થશે. વિધિના સંયોજક આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને મુખ્ય આચાર્ય લક્ષ્મી દીક્ષિતના નેતૃત્વમાં 121 આચાર્યો અનુષ્ઠાન કરાવશે.
રામઘાટ સ્થિત કાર્યશાળા માં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ચંપત રાયે કહ્યું કે, રામ દરેકના છે, દરેક રામ ના છે, આ દ્રશ્ય 22 જાન્યુઆરીએ આખી દુનિયામાં દેખાવું જોઈએ. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નો આ શુભ અવસર દરેક ભારતીય માટે સદીમાં એકવાર ગર્વની ક્ષણ છે, જ્યારે આપણે રામ લલ્લાની સામે ભારતના વિવિધ પ્રદેશો અને રાજ્યોમાંથી પરંપરાગત સંગીતનાં સાધનો વગાડવા જઈ રહ્યા છીએ. આ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં વિવિધ રાજ્યોના 25 પ્રખ્યાત અને દુર્લભ વાદ્યોના સુગમ વાદન સાથે સમાપ્ત થશે.
તેમણે જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય પ્રતિષ્ઠિત લોકોની હાજરીમાં યોજાશે. રામજન્મભૂમિ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના સાક્ષી બનવા તમામ અખાડાઓના આચાર્યો, તમામ સંપ્રદાયોના આચાર્યો, 150 થી વધુ પરંપરાઓના સંતો, મહામંડલેશ્વર, મંડલેશ્વર, દેશના તમામ આધ્યાત્મિક અને ધાર્મિક સંપ્રદાયો,મહંત, નાગા તેમજ 50 થી વધુ વનવાસી, ગીરીવાસી અને આદિવાસી પરંપરાના લોકો ઉપસ્થિત રહેશે. વિશ્વના 50 દેશોના 53 પ્રતિનિધિઓ પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે.
ચંપત રાયે કહ્યું કે, અયોધ્યા સહિત સમગ્ર ભારતે રામલાલલા ની પ્રાણ પ્રતિષ્ઠા ભવ્યતાથી ઉજવવાનો સંકલ્પ લીધો છે. આ પ્રસંગે વિવિધ પ્રદેશોમાંથી ભક્તો જળ, માટી, સોનું, ચાંદી, વસ્ત્રો, આભૂષણો, વિશાળ ઘંટડી, ઢોલ અને વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ લઈને સતત આવી રહ્યા છે. તેમણે રામ ભક્તોને 22 જાન્યુઆરીની સાંજે તેમના ઘરોને રામજ્યોતિથી પ્રકાશિત કરવા આહ્વાન કર્યું હતું.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક નીરજ દૌનેરિયા અને વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિજય શંકર તિવારી પણ હાજર હતા.
હિન્દુસ્થાન સમાચાર/બ્રિજનંદન/પવન / ડો. હિતેશ/બિનોદ
