
અમદાવાદ,09 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ કરાવવા અમદાવાદ આવી પહોંચ્યા છે. આજથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024ના ટ્રેડ શો નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આજે સવારે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જૈસિંટો ન્યુસીનું અમદાવાદ એરપોર્ટ પર, આગમન થયું હતું. તેમનું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. બાદમાં ભપેન્દ્ર પટેલ અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ, ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી મિટિંગ માટે મહાત્મા મંદિર પહોંચ્યા છે. મિટિંગ બાદ નરેન્દ્ર મોદી ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે અને પછી બપોર પછી 5 વાગ્યે અમદાવાદમાં રોડ-શો યોજશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વના નેતાઓ સાથે બેઠક કરશે. આ સાથે ટોચની વૈશ્વિક કંપનીઓનાં સીઇઓ સાથે બેઠક યોજશે. પ્રધાનમંત્રી 10 જાન્યુઆરીનાં રોજ સવારે 9:45 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ રાષ્ટ્રના વડાઓ સાથે બેઠક કરશે અને સાંજે UAEના વડા સાથે બેઠક બાદ MOU કરશે. મહાત્મા મંદિર, ગ્લોબલ ટ્રેડ શો અને રોડ શોમાં હાજરી આપશે. ઉપરાંત 5 મલ્ટીનેશનલ કંપનીના CEO સાથે, PM બેઠક કરશે.
વડાપ્રધાન સહિતના મહેમાનોના સ્વાગત માટે, ગુજરાતના પાટનગર ગાંધીનગરને દુલ્હનની જેમ સોળ શણગારથી સજાવવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમના મુખ્ય સ્થળ મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્ટ સીટી, ગિફ્ટ સીટી સર્કલ, ચ-રોડ, ઘ-૨ સર્કલ, રક્ષાશક્તિ ફ્લાયઓવર અને ઉદ્યોગ ભવન સહિત વિવિધ સરકારી કચેરીઓને રંગ-બેરંગી ‘મૂન લાઈટ’ અને વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવી છે. ગાંધીનગરની રાત્રિના આ નયનરમ્ય નજારો નગરજનો માટે, વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
