


ગાંધીનગર,08 જાન્યુઆરી (હિ.સ.) ગાંધીનગરમાં આગામી 10 થી 12 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજનાર છે. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ- વાઇબ્રન્ટ નિમિતે ઐતિહાસિક મેગા મ્યુઝિક ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં પ્રથમ દિવસે દેશના સુપ્રસિદ્ધ કલાકાર હંસરાજ રઘુવંશી અને હેરી નકુમ તથા બીજા દિવસે દેશની ટ્રેંડીંગ જોડી સચેત- પરંપરા તેમજ ડિમ્પલ પંચોલીએ પોતાના સૂરથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ આયોજનમાં બંન્ને દિવસમાં અંદાજીત 1.5 લાખ કરતા વધારે લોકોએ લાભ લીધો હતો.
આ અવસરે મેયર હિતેશ મકવાણા સહિત પદાધિકારીઓએ ગાંધીનગરનું થીમ સોંગ લોન્ચ કર્યું હતું. આ ગાંધીનગરના થીમ સોંગના ગાયક – ડો.પાર્થ ઓઝા, સંગીત – સમીર & માના રાવલ, ગીતકાર- દશરથ મેવાલ- યાજ્ઞિક ઠેસીયા, મિક્સીંગ અને રેકોર્ડિંગ-ડોલ્ફીન સ્ટુડિયો અમદાવાદ, સંકલન -ફાલ્ગુની રાવલ (ફેમ ક્રીએશન્સ્) એ કર્યું છે. ત્યારબાદ લેસર શો અને ભવ્ય ક્રેકર શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય રીટા પટેલ, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ ચેરમેન જશવંત પટેલ, કમિશનર જે.એન.વાઘેલા, ડેપ્યુટી કમિશનરઓ, કાઉન્સિલરઓ, હોદેદારઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ/હર્ષ શાહ
