નવી દિલ્હી, 03 જાન્યુઆરી (હિ.સ.) અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ એસઆઈટી અથવા સીબીઆઈ દ્વારા, કરાવવાની માગણીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે,” સેબીની તપાસ પર શંકા કરવાનું કોઈ કારણ નથી. નિયમનકારી સંસ્થા સેબીના કામકાજમાં, કોર્ટ દખલ ન કરી શકે.” કોર્ટે સેબીને બાકીના બે કેસની ત્રણ મહિનામાં તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે,” આ મામલામાં કોઈપણ થર્ડ પાર્ટી તપાસની ચકાસણી કર્યા વિના, તેના પર વિશ્વાસ કરી શકાય નહીં. કેન્દ્ર સરકારે ભારતીય રોકાણકારોના હિતોના રક્ષણ માટે, કોર્ટ દ્વારા રચાયેલી સમિતિના સૂચનો પર વિચાર કરવો જોઈએ.” સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને સેબીને બંને હિન્ડેનબર્ગ રિપોર્ટમાં શોર્ટ સેલિંગના આરોપોની, તપાસ કરવા અને કોઈ કાયદાનું ઉલ્લંઘન થયું છે કે, કેમ તે જાણવા જણાવ્યું હતું.
દેશની સૌથી મોટી અદાલતે સ્પષ્ટ કર્યું છે કે,” પ્રેસના તપાસાત્મક સમાચાર અથવા કોઈપણ સંસ્થાના અહેવાલોને સેબી માટે, વિશ્વસનીય પુરાવા તરીકે ગણી શકાય નહીં.” કોર્ટે એમ પણ કહ્યું કે,” પીઆઈએલ સામાન્ય નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ અવિશ્વસનીય સમાચાર પર આધારિત ન હોવી જોઈએ.” કોર્ટે 24 નવેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજે ચુકાદો સંભળાવનારી બેંચમાં, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ઉપરાંત જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા.
હિન્દુસ્થાન સમાચાર / સંજય / મુકુંદ / માધવી
