રાજકોટ/અમદાવાદ,02 જાન્યુઆરી (હિ.સ.) જનકલ્યાણની સુખાકારી માટે સરકારની કલ્યાણકારી યોજનાઓ, પ્રવૃતિઓ અને આયોજનોને સાકાર કરવા માટે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ મહત્વની ભુમિકા ભજવતા હોય છે. સરકાર અને લોકો વચ્ચેની સાંકળ બનીને નાગરિકોને મહત્તમ સુવિધાઓથી લાભાન્વિત કરવા કર્તવ્યનિષ્ઠા સાથે કામગીરી કરતા હોય છે. પરંતુ ફરજ ઉપરાંતની વિશિષ્ટ કામગીરી કરીને જ્યારે જનતાને મદદરૂપ થવાનો મોકો મળે ત્યારે તેનો આનંદ વિશેષ હોય છે. આ સંદર્ભમાં એવા જ એક સરકારી અધિકારીની વાત રજૂ કરવી છે, જેમણે ફરજ ઉપરાંતની વિશિષ્ટ કામગીરી કરીને અન્ય માટે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યુ છે.
વાત છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવતા સિનિયર લેબર ઓફિસર ડી.યુ.વાઘેલાની. જેઓ ત્વરિત સંકલન સાથે મુસાફરી દરમિયાન બસમાં ભુલી ગયેલ અંદાજે રૂપિયા 140000ની કિંમતી વસ્તુઓ સાથેનું પર્સ મુસાફરને હેમખેમ પરત અપાવીને ફરજનિષ્ઠાનું ઉમદા ઉદાહરણરૂપ બન્યા છે.
વિગતવાર વાતચીત કરતા ડી.યુ.વાધેલાએ જણાવ્યું હતું કે, ઉના ગામના રહેવાસી સુનિલ સીંગડ તેમના પત્ની સાથે 16 ડિસેમ્બર,2023 ના રોજ વેરાવળ – ગાંધીનગરની બસમાં મુસાફરી કરી રહ્યા હતા. જે દરમિયાન સુનિલભાઈના પત્ની રૂપિયા 30000ની રોકડ અને અંદાજે રૂપિયા 110000ની કિંમત ધરાવતા સોનાના દાગીના સહિતનું પર્સ બસમાં ભુલીને જૂનાગઢ ઉતરી ગયા હતા. નિગમની વેબસાઈટ ઉપર જનતાને પરિવહન સંદર્ભે મુશ્કેલી પડે તો હેલ્પલાઈન નંબરની સુવિધાઓ આપવામાં આવી છે.
જેમાંથી સુનિલભાઈએ મારો નંબર મેળવીને પોતાની પત્નીનું પાકીટ ભુલી ગયા હોવાનું જણાવ્યું હતું.તેમણે વધુમાં કહ્યું હતું કે, સમગ્ર ઘટનાની જાણ થતાંની સાથે જ એક પણ મિનિટનો સમય બગાડ્યા વિના તુરંત વેરાવળ ડેપોના મેનેજરનો સંપર્ક કરીને બસના કન્ડકટરની વિગતો મેળવીના તેની સાથે સમગ્ર ઘટનાની ચર્ચા કરીને મુસાફરનું બસમાં ભુલાયેલ પાકીટ રાજકોટ વિભાગીય કચેરી, વહીવટ શાખા ખાતે પરત મેળવીને તેના માલિક સુનિલભાઈને પરત અપાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રૂપિયા 30 હજારની રોકડ અને સોનાના દાગીના ભરેલું પાકીટ પરત મેળવીને સુનિલભાઈ સીંગડે હર્ષની લાગણી અનુભવી હતી. તેમજ અધિકારી ડી.યુ.વાધેલા સહિત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો આભાર પણ માન્યો હતો. ત્યારે જનતાના કલ્યાણ હેતુ સરકાર અને લોકો વચ્ચે સાંકળ બનીને વિકાસ અને વિશ્વાસ સંપાદિત કરવાની ઉમદા કામગીરી કરતા અધિકારીઓ અને કર્મચારીઓ પ્રશંસાને પાત્ર છે.
હિન્દુસ્થાન સમાચાર/
