રાજકોટ/અમદાવાદ,02 જાન્યુઆરી (હિ.સ.) ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે માટે રાજ્યભરના ગામોગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથના આગમન થઈ રહ્યા છે. જસદણ તાલુકાના સાણથલી ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનોએ હરખભેર સ્વાગત કર્યું હતું. આ તકે પી.એમ.ઉજ્જ્વલા, આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ યોજાતા આશરે 1236 જેટલા ગ્રામજનોએ લાભ લીધો હતો. સરકારની આયુષ્માન ભારત અને અન્ય યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાની ગાથા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ડ્રોન નિદર્શન, સોઈલ હેલ્થ કાર્ડનું પ્રદર્શન અને કુદરતી ખેતી કરતા ખેડૂત સાથે વાર્તાલાપ યોજાયો હતો.
સાણથલી ગામમાં 100 ટકા આયુષ્માન કાર્ડ નીકળ્યા છે તેમજ ગામ પંચાયતોમાં જલજીવન મિશન તેમજ જમીનના રેકોર્ડનું ડિજીટાઈઝેશન 100 ટકા પૂર્ણ થયું છે. તેમજ હર ઘર જલ મિશનની 100% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તથા સ્થાનિક રમત ગમતની વ્યક્તિઓને સન્માનિત કરાયા હતા. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર/
