નવી દિલ્હી, 27 ડિસેમ્બર (હિં.સ.) કેન્દ્ર સરકાર હવે ભારત બ્રાન્ડ હેઠળ 25 રૂપિયા પ્રતિ કિલોના દરે ચોખાનું વેચાણ કરશે. સરકાર પહેલેથી જ ભારત બ્રાન્ડ હેઠળ લોટ અને ચણાની દાળનું વેચાણ કરી રહી છે. હાલમાં દેશમાં ચોખાની સરેરાશ કિંમત 43.3 રૂપિયા પ્રતિ કિલો છે. જે ગયા વર્ષની સરખામણીમાં 14.1 ટકા વધી છે.
સત્તાવાર સૂત્રોએ બુધવારે આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે,” સરકાર હવે ભારત બ્રાન્ડ હેઠળ 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખાનું વેચાણ કરશે. ભારત બ્રાન્ડના ચોખાનું વેચાણ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ), નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન (એનસીસીએફ) અને કેન્દ્રીય ભંડાર આઉટલેટ્સ દ્વારા કરવામાં આવશે. ચોખાની વધતી કિંમતોને કાબૂમાં લેવા માટે સરકારે આ પગલું ભર્યું છે.”
આ પહેલા, કેન્દ્ર સરકારે 6 નવેમ્બર 2023 ના રોજ, 27.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ‘ભારત આટા’ લોન્ચ કર્યું હતું. ભારત આટા 10 કિલો અને 30 કિલોના પેકમાં ઉપલબ્ધ છે. ઘઉં અને લોટની વધતી કિંમતોને કારણે, સરકારે આ નિર્ણય લીધો છે. હાલમાં દેશમાં લોટની સરેરાશ કિંમત 35 રૂપિયા પ્રતિ કિલો છે.
નોંધનીય છે કે, નવેમ્બર મહિનામાં અનાજના ભાવમાં 10.27 ટકાનો વધારો થયો છે. જેના કારણે નવેમ્બરમાં ખાદ્યપદાર્થોનો ફુગાવો વધીને 8.70 ટકાના સ્તરે પહોંચી ગયો છે. ગયા મહિને તે 6.61 ટકા હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ / માધવી
